સીમાંકન બિલ મુદ્દે CM વિજયે લીધો U ટર્ન?

નવી દિલ્હીઃ સીમાંકન મુદ્દે તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજયે પોતાના વલણમાં ફેરફારના સંકેત આપ્યા છે. તેમણે અગાઉ લોકસભાની બેઠકોને ફ્રીઝ કરવાની વાત કહી હતી. તેના વિપરીત હવે ગૃહ મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમણે દરેક રાજ્યના સંસદીય પ્રતિનિધિત્વના વર્તમાન હિસ્સાને જાળવી રાખવાની માગ કરી છે. હકીકતમાં, ચેન્નઈમાં ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી 31મી દક્ષિણ ક્ષેત્ર પરિષદની બેઠકમાં CM જોસેફ વિજયે કહ્યું હતું કે હું કેન્દ્ર સરકારને સ્પષ્ટ કાયદાકીય આશ્વાસન આપવા અપીલ કરું છું કે વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવવાને કારણે સંસદમાં રાજ્યના પ્રતિનિધિત્વના પ્રમાણમાં ઘટાડો કરવામાં નહીં આવે.

અમિત શાહને શું કહ્યું વિજયે?

CM જોસેફ વિજયે કહ્યું હતું કે 1971ની વસ્તી ગણતરીને આધારે લોકસભા બેઠકોની ફાળવણી પર લાગેલી રોક ખતમ થવા જઈ રહી છે અને સીમાંકન બિલ 2026 પર વિચારણા ચાલી રહી છે. ત્યારે દક્ષિણના રાજ્યોમાં એ વાસ્તવિક અને સામૂહિક ચિંતા છે કે મુખ્યત્વે વસ્તીના આધારે થનાર સીમાંકન સંસદમાં અમારી વર્તમાન રાજકીય તાકાતને ઘટાડી શકે છે.

અગાઉ વિરોધમાં પ્રસ્તાવ પસાર કર્યો હતો

તામિલનાડુના CM જોસેફ વિજયના નિવેદનથી સ્પષ્ટ સંકેત મળે છે કે તેમણે 12 ઓગસ્ટે તામિલનાડુ વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવ દ્વારા સીમાંકનના સ્પષ્ટ વિરોધથી હવે નવું વલણ અપનાવ્યું છે. તેને સીધો કોંગ્રેસ માટે આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ CM વિજયની સરકારને સમર્થન આપી રહી છે.

કોંગ્રેસને આંચકો કેમ?

કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ એટલે કે કોંગ્રેસ કાર્ય સમિતિએ તાજેતરમાં યોજાયેલી બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે કે તે સીમાંકન હેઠળ લોકસભાની બેઠકો વધારવાની તરફેણમાં નથી. કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે હાલની 543 બેઠકોમાં જ  મહિલા અનામત લાગુ કરવામાં આવે અને તેને આધારે 2029ની લોકસભા ચૂંટણી યોજવામાં આવે.બીજી તરફ, બેઠકમાં હાજર કર્ણાટકના મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે CWCની બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવ અંગે પણ પોતાનું વલણ જાળવી રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આગામી 25 વર્ષ માટે હાલની લોકસભા બેઠકો જાળવી રાખવી જોઈએ અને તેને આધારે મહિલા અનામત લાગુ કરવી જોઈએ.

DMK  માટે સ્થિતિ સરળ બની શકે

TVKના વડા અને CM વિજયે સીમાંકનને મુદ્દે રાજ્યોના પ્રતિનિધિત્વના પ્રમાણમાં ઘટાડો ન કરવાની માગ કરી છે. તેમના નિવેદનથી સંકેત મળે છે કે જો આવું થાય તો તેઓ સીમાંકનનો વિરોધ નહીં કરે. તેને DMK માટે રાહતની બાબત માનવામાં આવી રહી છે, કારણ કે DMK આ મુદ્દે NDAને સમર્થન આપવા માટે કથિત રીતે તૈયાર હતી. જોકે રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને TVKના વલણને કારણે તેને પણ મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ સીએમ વિજયે પોતાના વલણમાં ફેરફારના સંકેત આપ્યા છે, ત્યારે DMK માટે સીમાંકનને મુદ્દે NDAને સમર્થન આપવું સરળ બની શકે છે.