CM વિજયનું Gen Z બજેટઃ યુવાનો માટે AI, મફત લેપટોપ અને રોજગારનું પેકેજ

ચેન્નઈઃ તામિલનાડુમાં TVK સરકારનું પ્રથમ વર્ષ 2026-27નું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે પોતાના પ્રથમ બજેટમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાનો અને Gen Z સરકારના એજન્ડાના કેન્દ્રમાં છે. પરંપરાગત કલ્યાણકારી યોજનાઓ સુધી મર્યાદિત રહેવાને બદલે આ બજેટમાં શિક્ષણ સુધારણા, ડિજિટલ સુલભતા, રોજગારક્ષમતા, કૌશલ્ય વિકાસ અને નવી ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બુધવારે વિધાનસભામાં નાણાં મંત્રી એન. મેરી વિલ્સને બજેટ રજૂ કરતાં શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોચિંગ, રમતગમત અને રોજગાર સંબંધિત અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

શિક્ષણને સૌથી વધુ ફાળવણી

આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. શાળા શિક્ષણ વિભાગ માટે 44,527 કરોડ રૂપિયા અને ઉચ્ચ શિક્ષણ વિભાગ માટે 8393 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ‘પલ્લી નિરાઈવુ થિટ્ટમ’ યોજના હેઠળ 2132 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે 3734 સરકારી શાળાઓનું આધુનિકીકરણ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ યોજના માટે 300 કરોડ રૂપિયા ફાળવાયા છે. સરકારે ‘પેરુન્થલૈવર કામરાજર મોડલ સ્કૂલ’ શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. અહીં ધોરણ નવથી 12ના વિદ્યાર્થીઓને રહેઠાણ, શિક્ષણ, ભોજન, યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો અને આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે મફત મળશે.

મફત લેપટોપ, સાઇકલ અને આધુનિક હોસ્ટેલ

વિદ્યાર્થીઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે 2000 કરોડ રૂપિયાના ખર્ચે ‘વેત્રી લેપટોપ યોજના’ શરૂ કરવામાં આવશે. ‘પુથિયા પયનમ, પુથિયા વેગમ’ યોજના હેઠળ સરકારી અને અનુદાનિત શાળાના ધોરણ 11ના 5.3 લાખ વિદ્યાર્થીઓને મફત સાઇકલ આપવામાં આવશે. દરેક સાઇકલ સાથે સલામતી માટે હેલ્મેટ અને પાણીની બોટલ પણ આપવામાં આવશે. આ માટે 277 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજ્યમાં હોસ્ટેલ વ્યવસ્થા મજબૂત બનાવવા માટે ‘તામિલનાડુ સ્ટુડન્ટ હોસ્ટેલ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન’ (TNSHIC)ની સ્થાપના કરવામાં આવશે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ 3200 કરોડ રૂપિયાને ખર્ચે 200 એકીકૃત હોસ્ટેલ બનાવવામાં આવશે, જેમાં એક લાખ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા મળશે.

AI મિશન અને નવી ટેક્નોલોજી પર ભાર

ટેક્નોલોજીના વધતા મહત્ત્વને ધ્યાનમાં રાખીને સરકારે ‘તામિલનાડુ AI મિશન’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ મિશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી સહિતની નવી ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ મિશન e-Sevai 2.0 સાથે મળીને નાગરિક સેવાઓને વધુ અસરકારક બનાવશે. AI અને માહિતી પ્રૌદ્યોગિકી (IT) ક્ષેત્ર માટે 398 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સરકારે લક્ષ્ય રાખ્યું છે કે 2031 સુધીમાં એન્જિનિયરિંગ કોલેજો, પોલિટેકનિક અને ITIના 5 લાખ વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સભ્યોને AIની તાલીમ આપવામાં આવશે.

રોજગાર, કૌશલ્ય વિકાસ અને રમતગમતને પ્રોત્સાહન

શિક્ષણ અને રોજગાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે સરકારે અનેક યોજનાઓ જાહેર કરી છે. ‘વેત્રીથિરન ટ્રેનિંગ સ્કીમ’ હેઠળ 13 લાખ યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય વિકાસ તાલીમ અને ઇન્ટર્નશિપની તક મળશે. ઉપરાંત TN Spark કાર્યક્રમનો વિસ્તાર 5000 શાળાઓમાંથી વધારીને 7600 સરકારી શાળાઓ સુધી કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રે પ્રતિભા વિકસાવવા માટે  તામિલનાડુમાં 50 કરોડ રૂપિયાના બજેટ સાથે 10 ઓલિમ્પિક સેન્ટર્સ ઑફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે.