લખનૌઃ ઉત્તર પ્રદેશ ભાજપ કાર્ય સમિતિની બેઠકમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મતદાર યાદીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ મતદાર યાદીમાં નથી, જ્યારે લાખો સરકારી યોજનાઓના લાભાર્થીઓ, પંચાયત મતદારો અને યુવાનો પણ મતદાર યાદીમાંથી બહાર છે. આ પછી મુખ્ય મંત્રીએ ભાજપ સંગઠનને વિશેષ અભિયાન ચલાવીને આવા મતદારોનાં નામ યાદીમાં સામેલ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયે જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO)ને મતદાર યાદીમાં ભૂલો, મતદારોની અરજીઓના નિકાલમાં બિનજરૂરી વિલંબ અને દેખરેખમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
હિન્દુ મતદારોને લઈને ચિંતા વ્યક્ત કરી
મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે આ સ્થિતિને કારણે નગરપાલિકાઓની 28 બેઠકો નબળી પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વસ્તીના આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં 16 કરોડથી વધુ મતદારો હોવા જોઈએ, જ્યારે હાલમાં આશરે 13 કરોડ મતદારો જ નોંધાયેલા છે.
આ શ્રેણીના મતદારોનો પણ કર્યો ઉલ્લેખ
મુખ્ય મંત્રીએ દાવો કર્યો કે 66 લાખ એવા લોકો છે, જેમનાં નામ પંચાયત મતદાર યાદીમાં છે, પરંતુ વિધાનસભાની મતદાર યાદીમાં નથી. તેમણે એમ પણ કહ્યું કે સરકારી યોજનાઓના 55 લાખ લાભાર્થીઓનાં નામ મતદાર યાદીમાં નોંધાયેલાં નથી. આ ઉપરાંત 18થી 19 વર્ષની વયજૂથના આશરે સાડાચાર લાખ યુવાનોનાં નામ પણ મતદાર યાદીમાં સામેલ નથી.
SIR અભિયાનની સમીક્ષા કરવા સૂચના
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ભાજપના કાર્યકરોને નિર્દેશ આપ્યો કે તેઓ BLOની મદદથી પાત્ર મતદારોનાં નામ મતદાર યાદીમાં સામેલ કરાવે અને આ અભિયાનની નિયમિત સમીક્ષા કરે. સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોને પણ આ જવાબદારી નિભાવવાનું કહેવામાં આવ્યું છે.

બેદરકારી બદલ કાર્યવાહી કરવાની ચેતવણી
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય તરફથી મળેલી માહિતી અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13AA, મતદારોની નોંધણી નિયમો, 1960 અને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે મતદાર યાદી સંબંધિત તમામ કામગીરીની અંતિમ વહીવટી અને દેખરેખની જવાબદારી જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO)ની છે.




