CM યોગી અને રામ મંદિર આતંકીઓના નિશાન પર?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અયોધ્યાના ભવ્ય રામ મંદિરને નિશાન બનાવીને એક સનસનાટીભરી ધમકી આપવામાં આવી છે. યુપી પોલીસની ઇમરજન્સી સેવા 112 ના સોશિયલ મીડિયા વોટ્સએપ ડેસ્ક પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રીને આગામી 24 કલાકમાં જાનથી મારી નાખવાની અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ ધમકી બાદ રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

ઇન્સ્પેક્ટર સહેન્દ્રના જણાવ્યા મુજબ, લખનઉ સ્થિત 112 મુખ્યમથકની સોશિયલ મીડિયા ડેસ્ક પર કાર્યરત સંવાદ અધિકારી શારદા યાદવે શનિવારે સાંજે 05 વાગ્યે 16 મિનિટ અને 50 સેકન્ડે આ મેસેજ જોયો હતો. મેસેજમાં અત્યંત વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શારદા યાદવે તુરંત આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી અને ધમકીભર્યા મેસેજના સ્ક્રીનશોટ પુરાવા તરીકે લેવામાં આવ્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને જોતા રવિવારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વોટ્સએપ નંબર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એસીપી ગોસાઈગંજ ઋષભ યાદવે જણાવ્યું હતું કે સરકારી કામમાં અવરોધ અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ આ કેસ દાખલ કરાયો છે. એડીજી (લો એન્ડ ઓર્ડર), એટીએસ (ATS) અને સુરક્ષા મુખ્યાલયને પણ આ મામલે સંપૂર્ણ જાણકારી આપી દેવામાં આવી છે.

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સાઉથ) રલ્લાપલ્લી બસંત કુમારે જણાવ્યું કે સાયબર ક્રાઈમ સેલ આ વોટ્સએપ નંબરનું લોકેશન અને આઈપી (IP) એડ્રેસ ટ્રેસ કરી રહી છે. મેસેજ મોકલનાર શખ્સને પકડવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સાયબર ટીમની અનેક ટુકડીઓ કામે લાગી છે. ધમકી બાદ અયોધ્યા અને મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી તેને વધુ કડક બનાવી દેવામાં આવી છે.