જંતર-મંતર પર એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન ચલાવનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) એ એકવાર ફરીથી રાજધાની દિલ્હીમાં મોટું આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે. સીજેપીએ 5 સપ્ટેમ્બર 2026 ના રોજ નવી દિલ્હી ખાતે શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢવાની ઘોષણા કરતા આક્ષેપ કર્યો છે કે ભારત સરકારે 25 જુલાઈના રોજ દેશના યુવાનો સાથે કરેલા વચનો પૂરા કર્યા નથી. પાર્ટીનું કહેવું છે કે સરકારની ખાતરી આપ્યા બાદ યુવાનોએ સદ્ભાવના દર્શાવીને પોતાનું દેશવ્યાપી વિરોધ આંદોલન પરત ખેંચી લીધું હતું.

ઇન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી નીકળશે માર્ચ
સીજેપી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ યોજાનાર આ શાંતિપૂર્ણ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર તરફ જશે. CJP ના સહ-સંયોજક સૌરવ દાસના જણાવ્યા મુજબ, આ વિરોધ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત મામલાઓમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો અને પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો કરશે. આ આંદોલનમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને સામાન્ય યુવા નાગરિકો મોટી સંખ્યામાં જોડાવાની શક્યતા છે. CJP એ સ્પષ્ટ કહ્યું છે કે, “અમે જેન-જી (Gen-Z), યુવા પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારો સાથે કોઈ વિશ્વાસઘાત સહન નહીં કરીએ. 5 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર યુવાનો ફરી એકત્રિત થશે.
સરકારી વચનોની સમીક્ષા બાદ નિર્ણય
સીજેપી તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, સોમવારે (24 ઓગસ્ટ 2026) પાર્ટીની વર્કિંગ કમિટીની ઓનલાઈન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર તેમજ ભાજપ/એનડીએ શાસિત રાજ્યો દ્વારા આપવામાં આવેલી ખાતરીઓ અને વચનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેના આધારે 25 જુલાઈના રોજ આંદોલન પાછું ખેંચાયું હતું. કમિટીના સભ્યોએ સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી. લિખિત નિવેદનમાં જણાવાયું કે, “એક મહિનો વીતી ગયો છે, વચનો પૂરા કરવાને બદલે સરકારે માત્ર સમય બગાડ્યો છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપી નથી. અમારી ધીરજને નબળાઈ માનવામાં ન આવે, જેથી 5 સપ્ટેમ્બર 2026 ના રોજ નવી દિલ્હીમાં માર્ચ યોજવાનો નિર્ણય લેવાયો છે.
સરકારે કયા વચનો પૂરા ન કર્યા?
NEET પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર ચાલતા આંદોલન સમયે CJP એ સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ મૂકી હતી, શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જે માંગ પૂરી થતાં સીજેપીએ આંદોલન પાછું ખેંચ્યું હતું. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓને વળતર: નીટ પેપર લીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું. દાખલ થયેલા કેસો રદ કરવા: વિરોધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ પોલીસ કેસો (FIR) રદ કરવા. સીજેપીનો આરોપ છે કે સરકારે આ બંને માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી તેનો અમલ કર્યો નથી.




