અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવર ફરી એકવાર પોતાના સાદગીભર્યા અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. દિવાળીના ખાસ અવસરે તેમણે રસ્તાના કિનારે બેસીને ત્રણ નાની બાળકીઓ સાથે ફૂલોની માળા વેચી હતી. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમના આ અંદાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

ત્રણ બાળકીઓ સાથે રસ્તા પર બેઠેલા જોવા મળ્યા સુનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવર અવારનવાર પોતાના અનોખા અંદાજને કારણે સમાચારમાં રહે છે. થોડા દિવસ પહેલાં તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ગંગા કિનારે ચાદર પાથરીને સૂતા જોવા મળ્યા હતા. તેમની સાદગીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
હવે દિવાળીના અવસરે શેર કરેલી તેમની એક તસવીર ચર્ચામાં છે. આ તસવીરમાં સુનીલ ગ્રોવર રસ્તાની બાજુમાં ત્રણ નાની બાળકીઓ સાથે બેઠેલા જોવા મળે છે. તેમના હાથમાં ગલગોટાનાં ફૂલોની માળાઓ અને દિવાળીની સજાવટનો સામાન પણ જોવા મળે છે.
View this post on Instagram
સુનીલ ગ્રોવરની પોસ્ટ પર ચાહકોની કોમેન્ટ્સનો વરસાદ
સુનીલ ગ્રોવરે આ તસવીર શેર કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું, “સૌને દિવાળીની શુભકામનાઓ. પ્રેમ અને પ્રકાશ.” તેમની આ પોસ્ટ સામે આવતાં જ ચાહકો અને મનોરંજન જગતની હસ્તીઓએ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું.
અભિનેત્રી ચાહત ખન્નાએ રેડ હાર્ટ ઇમોજી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી, જ્યારે કરણ મેહરાએ ‘હેપ્પી દિવાળી’ લખીને તેમને તહેવારની શુભેચ્છા પાઠવી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે કર્યા વખાણ
સુનીલ ગ્રોવરની આ તસવીર જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેમના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તેમને ‘ડાઉન ટુ અર્થ’ ગણાવ્યા હતા. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી, “શું વાત છે સરજી, ખરેખર કમાલ છો.” બીજા એક યુઝરે લખ્યું હતું, “તમે ખરેખર અદ્ભુત છો સુનીલ ગ્રોવર, હેપ્પી દિવાળી.” જ્યારે અન્ય એક ચાહકે લખ્યું, “ભાઈ, તમે કંઈ પણ કરી શકો છો.” સુનીલ ગ્રોવરની આ તસવીર ફરી એકવાર બતાવે છે કે તેમનો સાદગીભર્યો અને મસ્તમૌલા અંદાજ ચાહકોને કેટલો પસંદ આવે છે.






