ગાંધીનગર: અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓ ચાલી રહી છે. જેના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ પ્રથમવાર રાજ્યની મુલાકાતે આવી છે.
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી આ ડેલિગેશને પ્રવાસનો પ્રારંભ કર્યો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે, તેમ જણાવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સ-2030એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે. ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલું તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં ડૉ. ડોનાલ્ડ રૂકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.
કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નીહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સ્થળ મુલાકાત કરવાનું છે.




