નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય નથી. ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP) ના ડિરેક્ટર જનરલ શત્રુજિત કપૂરે ખુલાસો કર્યો છે કે તાજેતરના દિવસોમાં અનેક સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ (આમને-સામને આવવાની ઘટનાઓ) થયું છે અને કેટલાંક સ્થળોએ આ સ્થિતિ હજુ પણ બનેલી છે. તેમણે આ ઘટનાઓમાં ITBPના નવા ‘શૌર્ય કમાન્ડો’ની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
શત્રુજિત કપૂરના આ જ નિવેદનના આધારે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ નિવેદનને આધારે કેન્દ્ર સરકાર પર ચીન સંબંધિત મુદ્દાઓ પર મૌન સેવવાનો આરોપ લગાવ્યો છે.
અરુણાચલમાં અનેક જગ્યાએ ફેસ-ઓફ (ઘર્ષણ)
રાજસ્થાનના અલવરમાં ITBPના 65મા સ્થાપના દિવસ પહેલા આયોજિત એક કાર્યક્રમમાં જવાનોને સંબોધિત કરતી વખતે શત્રુજિત કપૂરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે આમને-સામને આવવાની ઘટનાઓ બની છે.
કપૂરે જણાવ્યું કે ITBP એ તાજેતરમાં ‘શૌર્ય કમાન્ડો’ નામે એક નવી લડાયક ટીમ તૈયાર કરી છે. તેમનો દાવો છે કે આ ટીમ અરુણાચલ પ્રદેશમાં ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે ચાલુ ફેસ-ઓફની પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતા બતાવી ચૂકી છે. ભવિષ્યમાં દરેક સીમા બટાલિયનમાં આવા કમાન્ડો તૈનાત કરવામાં આવશે, જેથી દળની વિશેષ ઓળખ બની શકે.
ચીનનો સામનો કરવા વ્યૂહરચના બદલાઈ રહી છે
ITBP વડાએ સ્પષ્ટ કર્યું કે ચીન જેવા પ્રતિસ્પર્ધીને હવે પરંપરાગત સૈન્ય પદ્ધતિઓથી રોકી શકાય નહીં. તેમણે જવાનોને કહ્યું કે આધુનિક યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે અને ડ્રોન ટેકનોલોજી તેમાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલા 400 કરોડ રૂપિયાના આધુનિકીકરણ ફંડનો લગભગ 70 ટકા હિસ્સો ડ્રોન અને એન્ટી-ડ્રોન ક્ષમતાઓને મજબૂત કરવા પર ખર્ચવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 4000 કરોડ રૂપિયાની એક મોટી આધુનિકીકરણ યોજનાને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, જેમાંથી આશરે 1000 કરોડ રૂપિયા ડ્રોન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ પર ખર્ચ કરવામાં આવશે.
“China की PLA (Army) हमसे बहुत आगे निकल चुकी है, हम उनका मुकाबला नही कर सकते” : ITBP DG.
मोदी जी, 12 साल से सेना को मजबूत करने की जगह झालमुरी खा रहे थे? https://t.co/isRcYUELVU
— CONGRESS THIKING (@CongressVichar) October 23, 2026
કોંગ્રેસે સરકાર પાસે માગ્યો જવાબ
ITBP વડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે જ્યારે ITBP વડા પોતે અરુણાચલ પ્રદેશમાં ફેસ-ઓફ ચાલુ હોવાની વાત કરી રહ્યા છે, તો વડા પ્રધાન અને કેન્દ્ર સરકારે સીમાની સ્થિતિ અંગે દેશને સ્પષ્ટ માહિતી આપવી જોઈએ.






