અમદાવાદ: ‘SD PAY – અપના પે’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા અંદાજે ૬.૫૩ લાખ લોકો સાથે થયેલી રૂ. ૧,૨૧૧ કરોડની ડિજિટલ છેતરપિંડી મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સંયુક્ત પત્રકાર પરિષદમાં AICC મહામંત્રી રણદીપસિંહ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ સરકારની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને આ સમગ્ર કૌભાંડની તપાસ CBI, ED અને SFIOને સોંપવાની માંગ કરી હતી.
રણદીપસિંહ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૨૦૨૪માં ઉત્તર ગુજરાતથી ધવલ પટેલ, નરેન્દ્રસિંહ ઝાલા અને તેમના સાથીઓ દ્વારા શરૂ કરાયેલી ‘SD PAY – અપના પે’ એપને ૧૫ લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૬,૫૨,૮૩૧ સામાન્ય લોકોના ખાતામાંથી રૂ. ૧,૨૧૧ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે, જે સંપૂર્ણ તપાસ બાદ રૂ. ૩,૦૦૦ કરોડથી પણ વધુ હોઈ શકે છે. આ પીડિતોમાં ૭૫ ટકા લોકો ગુજરાતના છે. અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગર સહિત દેશભરમાં ૧૮ FIR નોંધાઈ હોવા છતાં સરકાર મૌન છે. તેમણે RBI દ્વારા અપાયેલા લાઇસન્સ, સરકારી દેખરેખના અભાવ અને રાષ્ટ્રવાદના નામે આચરાયેલી લૂંટ અંગે ૧૦ સીધા સવાલ પૂછી પીડિતોના નાણાં પરત અપાવવા વિશેષ ફંડ અને પોર્ટલ બનાવવાની માંગ કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આર્થિક ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે અને સામાન્ય નાગરિકો લૂંટાઈ રહ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે પીડિત પરિવારોને ન્યાય અને તેમના નાણાં પરત અપાવવા માટે કોંગ્રેસ પક્ષ એડવોકેટ ડૉ. અમીબેન યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ કાયદાકીય લડત લડશે અને પીડિતોના ઘરે-ઘરે જઈને તેમની વ્યથા ઉજાગર કરશે.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ પણ રાજ્યમાં વધતા જતા GST ચોરી અને સાયબર ફ્રોડના કરોડો રૂપિયાના કૌભાંડો સામે સરકારના મૌનની ટીકા કરી હતી. આ પત્રકાર પરિષદમાં AICC મંત્રી રામકિશન ઓઝા, ડૉ. અમીબેન યાજ્ઞિક, ડૉ. મનિષ દોશી, હેમાંગ રાવલ અને ડૉ. નિદત્ત બારોટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.






