બેંગલુરુ: કર્ણાટકની કોંગ્રેસ સરકારે આદેશ જાહેર કરીને કહ્યું છે કે સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’નાં માત્ર બે પદ ગાવામાં આવે. જોકે આ આદેશમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ અને કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ હોય તેવા કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના તમામ છ પદ ગાવામાં આવશે. કેન્દ્ર સરકારના એવા નિર્દેશ વચ્ચે આ આદેશ આવ્યો છે, જેમાં ‘વંદે માતરમ’નાં તમામ છ પદ ગાવા ફરજિયાત કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે નિર્દેશ આપ્યો છે કે અન્ય સત્તાવાર રાજ્ય સરકારી કાર્યક્રમોમાં માત્ર શરૂઆતનાં બે પદ જ ગાવામાં આવે.
કેન્દ્રે તમામ પદ ગાવા ફરજિયાત કર્યા
હકીકતમાં, જાન્યુઆરી, 2026માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત ગાવા માટે કડક પ્રોટોકોલ નક્કી કરીને વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી હતી. નવા નિયમો અનુસાર સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતનાં તમામ છ પદ (છંદ) વગાડવા અથવા ગાવાં જોઈએ. આ આદેશનો કોંગ્રેસે સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીના કાર્યક્રમોમાં માત્ર પ્રથમ બે પદ જ ગાવામાં આવશે. જોકે હવે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં પણ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે પાર્ટીની લાઇનને અનુસરીને આ આદેશ જાહેર કર્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં તમામ પદ ગાવાના કોંગ્રેસે કર્યો વિરોધ
જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તારિક હમીદ કર્રાએ બુધવારે એક વિવાદ ઊભો કર્યો હતો. તેમણે અહીં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન ગઠબંધન સહયોગી નેશનલ કોન્ફરન્સ દ્વારા સમગ્ર રાષ્ટ્રગીત ગાવામાં આવવાની ટીકા કરી હતી. X પરની એક પોસ્ટમાં કર્રાએ કહ્યું કે રાષ્ટ્રીય પ્રતીકો, ગીતો અને પરંપરાઓનું દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન છે અને તેમની વાસ્તવિક શક્તિ ભારત જેવા વૈવિધ્યસભર દેશને એકસાથે બાંધી રાખવાની ક્ષમતામાં છે. કર્રાએ કહ્યું હતું કે તેથી એ ચિંતાની વાત છે કે અમારા ગઠબંધન સહયોગીઓએ ‘વંદે માતરમ’નું સંપૂર્ણ સંસ્કરણ ગાવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ મુદ્દો દેશભક્તિનો નહીં, પરંતુ બંધારણીય વિચારસરણીનો છે.

નેશનલ કોન્ફરન્સે ડી.કે. શિવકુમારનું નામ લઈને આપ્યો જવાબ
બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે તરત જ જવાબ આપ્યો અને જણાવ્યું કે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની હાજરીમાં રાષ્ટ્રગીતનું સંપૂર્ણ સંસ્કરણ વગાડવામાં આવ્યું હતું.




