દેશભરમાં મતદાર યાદીઓની શુદ્ધિકરણ પ્રક્રિયા (SIR) ના નામે કરોડો મતદારોના નામ ગેરરીતિપૂર્વક રદ કરવામાં આવ્યા હોવાનો દાવો કરીને ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે શનિવારે રાજ્યના વિવિધ મહાનગરોમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કાળી પટ્ટીઓ તથા કાળા વસ્ત્રો ધારણ કરી આક્રમક પ્રદર્શનો યોજ્યા હતા. રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢ જેવા શહેરોમાં હંગામો, પૂતળાદહન અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટમાં પ્રતિકાત્મક મહોરું પહેરાવી અનોખો વિરોધ
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક અનોખો અને કટાક્ષપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ એક યુવકને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી, દોરડા વડે બાંધીને કલેક્ટર કચેરી સુધી સરઘસ કાઢ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા અને અન્ય નેતાઓએ આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે બંધારણીય સંસ્થા હવે સ્વતંત્ર રહી નથી અને કેન્દ્રના ઈશારે કામ કરી રહી છે.

સુરતમાં બેરિકેડ્સ તૂટ્યા, કાર્યકર પોલીસ વાન આગળ સૂઈ ગયો
સુરતમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ચકમક ઝરી હતી. ‘વોટ ચોર, ગાદી છોડ’ અને દેશવ્યાપી ટ્રેન્ડ બનેલા નારા સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરી પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જ પોલીસે મૂકેલા બેરિકેડ્સ તોડી પાડ્યા હતા. આ દરમિયાન સ્થિતિ વણસતાં પોલીસે મહિલાઓ સહિત અનેક પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન એક કોંગ્રેસ કાર્યકર પોલીસ વાનના ટાયર સામે સૂઈ જતાં વાતાવરણ વધુ તંગ બન્યું હતું.

વડોદરામાં કાળા વસ્ત્રો સાથે ભરતસિંહ સોલંકીનું નેતૃત્વ, પૂતળાદહન પર ધક્કામુક્કી
વડોદરા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કાળા કપડાં અને બેનરો સાથે વિશાળ વિરોધ માર્ચ યોજાઈ હતી. “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” જેવા લખાણવાળા બોર્ડ સાથે કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ પૂતળાદહન કરવાનો પ્રયાસ કરતા પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ભારે ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી.
જૂનાગઢમાં આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાયો
બીજી તરફ જૂનાગઢમાં પણ કોંગ્રેસના સ્થાનિક નેતા કરશનદાસ ભાદરકાની આગેવાનીમાં કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ચૂંટણી પંચ અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે ગેરકાયદેસર રીતે રદ કરાયેલા મતદારોના નામ તાત્કાલિક ધોરણે યાદીમાં પુનઃસ્થાપિત કરવામાં આવે.



