CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનો હલ્લાબોલ

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીએ સોમવારે દેશભરમાં આક્રમક વિરોધ પ્રદર્શન હાથ ધર્યા હતા. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર ઊતરીને વિરોધ માર્ચ કાઢી હતી. કોંગ્રેસે દાવો કર્યો છે કે દેશમાં લોકશાહીની પુનઃસ્થાપના માટે મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું અત્યંત જરૂરી છે.

ચૂંટણી પંચ પર અધિકારક્ષેત્ર બહાર કામ કરવાનો આરોપ

કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે દાવો કર્યો છે કે વોટર લિસ્ટના સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) દરમિયાન ચૂંટણી પંચ નાગરિકતા નક્કી કરવાના મામલે પોતાના અધિકારક્ષેત્રની બહાર જઈને કામ કરી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, પરંતુ Citizenship Act, 1955 હેઠળ થાય છે. તેમણે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ સુધાંશુ ધુલિયાના તાજેતરના ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરીને ચૂંટણી પંચની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

દેશના વિવિધ રાજ્યોમાં પ્રદર્શન અને ઘર્ષણ

દિલ્હી અને ઉત્તર પ્રદેશ: દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ જંતર-મંતર તરફ વિરોધ માર્ચ કાઢી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને મુરાદાબાદમાં કોંગ્રેસ કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના પુતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. જયપુરમાં વોટર કેનનનો પ્રયોગ: રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ કાર્યકરો શહીદ સ્મારકથી રાજ્ય ચૂંટણી પંચની ઓફિસનો ઘેરાવ કરવા નીકળ્યા ત્યારે પોલિસે બેરિકેટિંગ કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતા પોલિસે વોટર કેનન મશીન વડે પાણીનો મારો ચલાવ્યો હતો, જેના કારણે પોલિસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની હતી.

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના નાસિક, પુણે અને કોલ્હાપુરમાં જિલ્લા કલેક્ટર કચેરીઓ બહાર પ્રદર્શનો યોજાયા હતા. કોલ્હાપુરમાં સાંસદ શાહૂ મહારાજ અને સતેજ પાટીલ સહિતના અગ્રણી નેતાઓ પ્રદર્શનમાં જોડાયા હતા.

જેપી નડ્ડાનો કોંગ્રેસ પર કડક પલટવાર

કોંગ્રેસના દેશવ્યાપી આંદોલન પર કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આકરા પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, કોંગ્રેસ અને INDI ગઠબંધન દેશની પ્રગતિથી નિરાશ થઈ ગયું છે. જ્યારે તેમની પાસે કોઈ નીતિ કે વિઝન હોતું નથી, ત્યારે તેઓ ભ્રમ અને અરાજકતા ફેલાવવાનો સહારા લે છે. ચૂંટણી પંચે તમામ તથ્યો સ્પષ્ટ કરી દીધા હોવા છતાં વાતાવરણ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું કે, “રાહુલ ગાંધી કાન ખોલીને સાંભળી લે, જૂઠને 100 વખત પુનરાવર્તિત કરવાથી તે સત્ય બની જતું નથી. જનતા વિપક્ષની નકારાત્મક રાજનીતિ અને બેવડા વલણને બરાબર સમજી ગઈ છે.”