કોંગ્રેસના નેતા પવન ખેડા પાસે બે મતદાર ઓળખપત્રઃ ભાજપ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત ભાજપને મત ચોરીના મુદ્દે ઘેરી રહ્યા છે. ત્યારે હવે ભાજપે કોંગ્રેસના નેતા પવન ખેડા પર બે મતદાર ઓળખપત્ર (વોટર ID કાર્ડ) રાખવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે તે તપાસ કરે કે ખેડાએ ઘણી વખત મતદાન કર્યું હતું કે નહીં.

અમિત માલવિયાએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું છે કે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા- જે ગાંધી પરિવાર સાથે પોતાની નજીક બતાવવાની કોઈ તક ચૂકી જતા નથી, તેમના પાસે બે EPIC નંબર છે. એક તો તેમની પાસે પૂર્વ દિલ્હીના જંગપુરા વિસ્તારમાં છે અને બીજું નવી દિલ્હીમાં છે.

ચૂંટણી પંચે તપાસ કરવી જોઈએઃ માલવિયા

ભાજપના નેતાએ આગળ કહ્યું હતું  કે હવે ચૂંટણી પંચે તપાસ કરવી પડશે કે પવન ખેડા પાસે બે EPIC નંબર કેવી રીતે છે અને શું તેમણે ઘણી વખત મતદાન કર્યું, જે ચૂંટણી કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પવન ખેડા મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અસહમતી પેદા કરી રહ્યા છે અને ભારતમાં મજબૂત ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડી રહ્યા છે.

સચ્ચાઈ એ છે કે કોંગ્રેસ જ સાચી મત ચોર છે. તેઓ બધાને પોતાની જેવા બદનામ કરવા માગે છે. લાંબા સમય સુધી તેમણે ગેરકાયદે ઘૂસણખોરો અને બિનભારતીયોને કાયદેસર બનાવીને અમારી ચૂંટણી વ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું અને જનમેન્ડેટ ચોરી લીધો. હવે તેમને ડર છે કે ચૂંટણી પંચની ખાસ ગહન સુધારણા પ્રક્રિયા તેમની સચ્ચાઈ બહાર લાવી દેશે. હવે સમય આવી ગયો છે કે ભારત સમજે કે રાહુલ ગાંધી અમારા લોકશાહી માટે જોખમી છે, એમ તેમણે કહ્યું હતું.