મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન 200 વર્ષ જૂના એક કિંમતી પેન્ડન્ટને લઈને વિવાદમાં સપડાઈ છે. દિવાળીની પાર્ટીમાં કરીનાએ પહેરેલા આ પેન્ડન્ટ પર પવિત્ર કુરાનની આયતો લખેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના નેતા અબ્બાસ હફીઝે અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલી છે અને મુસ્લિમ સમુદાયની માફી માગવાની માંગ કરી છે.

કરીનાની સ્ટાઈલિસ્ટ રિયા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કરીના એક ખાસ પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. રિયા કપૂરે આપેલી માહિતી અનુસાર, આ પેન્ડન્ટ આશરે 200 વર્ષ જૂનું છે અને તેના પર પવિત્ર કુરાનની ‘આયતુલ કુર્સી’ કોતરવામાં આવી છે.
કોંગ્રેસ નેતાએ કરીનાની માફી માગવાની માંગ કરી
કોંગ્રેસ નેતા અબ્બાસ હફીઝે કરીના કપૂર દ્વારા આ ધાર્મિક મહત્વ ધરાવતા પેન્ડન્ટને ફેશન એક્સેસરી તરીકે પહેરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, પેન્ડન્ટ પર કુરાનની ‘આયતુલ કુર્સી’ લખેલી છે, જે મુસ્લિમ સમુદાય માટે અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવે છે.હફીઝે દાવો કર્યો છે કે આ આભૂષણ ભોપાલની બેગમોની ધાર્મિક પ્રાર્થનાઓ સાથે જોડાયેલું છે. તેથી તેનો ઉપયોગ માત્ર ફેશન એક્સેસરી તરીકે ન થવો જોઈએ.
તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય કુરાનની આયતોનું ખૂબ જ સન્માન કરે છે. ઘણા લોકો તો ધાર્મિક શુદ્ધિકરણ એટલે કે વુઝૂ કર્યા વિના આ પવિત્ર આયતોને સ્પર્શ કરવાનું પણ ટાળે છે. આથી કરીનાએ આ મામલે મુસ્લિમ સમુદાયની માફી માગવી જોઈએ.
કોંગ્રેસ નેતાએ નોટિસ મોકલવાનું કારણ પણ જણાવ્યું
અબ્બાસ હફીઝે સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ કાનૂની નોટિસ કોંગ્રેસના નેતા તરીકે નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયના એક સભ્ય તરીકે મોકલી છે. દિવાળીના ખાસ અવસર પર કરીનાએ આ પેન્ડન્ટ પહેર્યું હતું. જોકે, આ કાનૂની નોટિસ અંગે કરીના કપૂર ખાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
શું છે કરીનાના 200 વર્ષ જૂના પેન્ડન્ટની ખાસિયત?
આ સમગ્ર વિવાદ રિયા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો બાદ શરૂ થયો હતો. તેમણે કરીનાની કેટલીક તસવીરો સાથે ભોપાલના નવાબની આશરે 200 વર્ષ જૂની કલગી અને ભોપાલની બેગમનું 30 કેરેટનું પન્નું પણ બતાવ્યું હતું. આ પન્ના પર ‘આયતુલ કુર્સી’ કોતરવામાં આવી હોવાનું જણાવાયું છે.
રિયા કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “અસલી ફિલ્મી સ્ટાર, અસલી ચાંદી, પૈતૃક વારસાના અસલી ઘરેણાં અને પર્સનલ સ્ટાઇલનું શાનદાર મિશ્રણ.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે કરીનાએ પુનિત બલાનાના શુદ્ધ ચાંદીના કફ્તાન અને પાઘડી સાથે ભોપાલના નવાબની 200 વર્ષ જૂની કલગી તથા ભોપાલની બેગમનું 30 કેરેટનું પન્નું પહેર્યું હતું, જેના પર ‘આયતુલ કુર્સી’ કોતરવામાં આવી છે.
સૈફના પરિવાર તરફથી કરીનાને મળ્યો હતો શાહી વારસો
રિયા કપૂરે પેન્ડન્ટ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઘરેણાં ભોપાલના શાહી પરિવારની પૈતૃક વિરાસત છે અને કરીનાની પોતાની માલિકીના છે. આ ઘરેણાં તેમને સૈફ અલી ખાનના પરિવાર તરફથી વારસામાં મળ્યાં છે.
કરીનાની દાદી સાજિદા સુલતાન ભોપાલના છેલ્લા નવાબની પુત્રી હતાં. આ કારણે કરીના પાસે ભોપાલના શાહી પરિવાર સાથે જોડાયેલાં અનેક ઐતિહાસિક અને કિંમતી ઘરેણાં છે. હાલમાં આ 200 વર્ષ જૂના પેન્ડન્ટને લઈને વિવાદ ચર્ચામાં છે અને કરીના કપૂર ખાનની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.






