નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરમાં દાનની કથિત ચોરીનો મામલો સતત ગરમાઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું રાજકીય દબાણ વધાર્યું છે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) અને પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ કે.સી. વેણુગોપાલે આજે વડા પ્રધાનને પત્ર લખીને આ મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગ કરી છે.
PM મોદીને લખેલા પત્રમાં શું કહ્યું?
વેણુગોપાલે પોતાના પત્રમાં લખ્યું છે કે અયોધ્યા રામ મંદિરમાં દાનની કથિત ચોરીએ સમગ્ર દેશને ઝંઝોડી નાખ્યો છે. કરોડો શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીરામને નામે પોતાની મહેનતની કમાણી દાનમાં આપી હતી, પરંતુ તેમની આસ્થાનો વિશ્વાસઘાત થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જાહેર જમીન પર થયું હતું અને તેના સંચાલન માટે ભારત સરકાર દ્વારા એક જાહેર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. તેથી મંદિરના વહીવટ અને તેની જવાબદારી કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે.
ચોરી અંગે અગાઉ પણ ચેતવણીઓ મળી હતી, છતાં અવગણના થઈ: વેણુગોપાલ
કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે આરોપ લગાવ્યો હતો કે કથિત ચોરી અંગે સમયાંતરે અનેક ચેતવણીઓ સામે આવી હતી, પરંતુ તેને અવગણવામાં આવી હતી. તેમનો દાવો છે કે જવાબદાર લોકોએ જાણીબૂજીને કોઈ કાર્યવાહી કરી નહોતી, જેને કારણે કરોડો રૂપિયાના કથિત ગેરવહીવટને રક્ષણ મળ્યું.
SIT તપાસ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ પત્રમાં કોંગ્રેસે અત્યાર સુધી થયેલી SIT તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીની કાર્યવાહી માત્ર લોકોની આંખોમાં ધૂળ નાખવા જેવી છે અને તેનો હેતુ કથિત રીતે મોટા આરોપીઓને બચાવવાનો જણાય છે. કોંગ્રેસનું કહેવું છે કે આ માત્ર નાણાકીય ગેરરીતિનો મુદ્દો નથી, પરંતુ ધાર્મિક આસ્થાના રાજકીય અને આર્થિક દુરુપયોગ સાથે જોડાયેલો ગંભીર મામલો છે. પાર્ટીએ વડા પ્રધાનને સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ કરી છે, જેથી સત્ય સામે આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી થઈ શકે.




