નવી દિલ્હીઃ કોંગ્રેસે જાહેરાત કરી છે કે તે પેપર લીક, બેરોજગારી અને ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને મુદ્દે દેશભરમાં વ્યાપક આંદોલન શરૂ કરશે. માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં પાર્ટી આ તમામ મુદ્દાઓને લઈને કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના માર્ગદર્શન અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે પેપર લીક, પરીક્ષા ગેરરીતિઓ, બેરોજગારી અને મોદી સરકાર દ્વારા દેશના યુવાનો સાથે કરવામાં આવી રહેલા “સુનિયોજિત વિશ્વાસઘાત” સામે દેશવ્યાપી અભિયાનના પ્રથમ તબક્કાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો, યુવા સંગઠનો, શિક્ષકો અને પરીક્ષા કૌભાંડથી પ્રભાવિત લોકો આ અભિયાનમાં જોડાશે.
કોટાથી થશે અભિયાનની શરૂઆત
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 17 જૂને કોટાથી આ અભિયાનની શરૂઆત કરશે. ત્યાર બાદ તેઓ 10 જુલાઈએ પ્રયાગરાજ, 11 જુલાઈએ પટના અને 14 જુલાઈએ દિલ્હીમાં મોટા કાર્યક્રમો દ્વારા કેન્દ્ર સરકાર સુધી પોતાની વાત પહોંચાડશે. કોંગ્રેસે 8 જૂને પોતાના મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશાધ્યક્ષો સાથેની બેઠકમાં નક્કી કર્યું હતું કે NEET મુદ્દો, બેરોજગારી અને મોંઘવારી સામે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરશે કોંગ્રેસ
વેણુગોપાલે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા NEET પરીક્ષાના વિકેન્દ્રીકરણ, પરીક્ષા ફી રદ કરવાની, પેપર લીક રેકેટમાં સામેલ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે લોકો વચ્ચે સીધો સંપર્ક, ડિજિટલ માધ્યમો, કેમ્પસ મુલાકાતો, કોચિંગ સેન્ટરો, યુનિવર્સિટીઓ, શાળાઓ અને યુવા કેન્દ્રોમાં સંવાદ, સોશિયલ મીડિયા અભિયાન, લાઇવ સ્ક્રીનિંગ અને વિદ્યાર્થીઓ સાથે સીધી ચર્ચા જેવા કાર્યક્રમો મોટા પાયે યોજવામાં આવશે.






