હૈદરાબાદઃ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવતી કંપની મેટા સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યૂથ કોંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે મુંબઈ, હૈદરાબાદ અને ગુરુગ્રામમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હૈદરાબાદ સ્થિત કંપનીની ઓફિસમાં તોડફોડ કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તેના અનેક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડિયોમાં કોંગ્રેસના કાર્યકરો કૂંડાં ઉઠાવીને ફેંકતા જોવા મળ્યા છે. આ ઉપરાંત તેઓ ઓફિસના કાફેટેરિયા પાસે પહોંચીને ભારે હોબાળો કરતા જોવા મળ્યા હતા. મેટા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ કેટલાક કાર્યકરો થોડા સમય માટે ધરણાં પર પણ બેઠા હતા. યૂથ કોંગ્રેસે મેટા પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને 7 દિવસમાં તેની કામગીરીમાં સુધારો કરવાની ચેતવણી આપી છે.
હૈદરાબાદમાં યૂથ કોંગ્રેસનું પ્રદર્શન
હૈદરાબાદમાં યુથ કોંગ્રેસના કાર્યકરો પ્રદેશ અધ્યક્ષ જે. શિવચરણ રેડ્ડીના નેતૃત્વમાં મેટાની ઓફિસ પહોંચ્યા હતા. તેમણે મેટા અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોનો આરોપ હતો કે મેટાનું અલ્ગોરિધમ મનસ્વી રીતે કામ કરે છે અને સરકારના ઇશારે કામગીરી કરવામાં આવે છે. તેમણે મેટાને ભાજપના દબાણથી દૂર રહેવાની માગ કરી હતી. અહેવાલો અનુસાર આ દરમિયાન કેટલાક કાર્યકરો ઓફિસમાં ઘૂસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો, જેને કારણે થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી.

મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન
મુંબઈમાં યૂથ કોંગ્રેસના કાર્યકરોએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના વર્લ્ડ વન સ્થિત મેટાની ઓફિસ બહાર પ્રદર્શન કર્યું હતું. મુંબઈ યુથ કોંગ્રેસનાં અધ્યક્ષ જીનત શાબરીનના નેતૃત્વમાં કાર્યકરોએ મેટા પર ભાજપ અને આરએસએસનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો. કાર્યકરો ઓફિસની દીવાલ પર સ્પ્રે પેઇન્ટથી મેટા વિરોધી સૂત્રો લખતા અને સુરક્ષા ગાર્ડ સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા.
Hyderabad is paying the price for Congress’s politics of chaos!
Youth Congress workers vandalising Meta’s office in Gachibowli is a shocking display of political hooliganism. With businesses under attack and police prevented from intervening, law and order have become casualties of Congress’s politics.
𝐖𝐡𝐨 𝐰𝐨𝐮𝐥𝐝 𝐢𝐧𝐯𝐞𝐬𝐭 𝐢𝐧 𝐚 𝐬𝐭𝐚𝐭𝐞 𝐰𝐡𝐞𝐫𝐞 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐠𝐨𝐨𝐧𝐬 𝐜𝐚𝐥𝐥 𝐭𝐡𝐞 𝐬𝐡𝐨𝐭𝐬? 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞𝐬 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭, 𝐧𝐨𝐭 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬-𝐬𝐩𝐨𝐧𝐬𝐨𝐫𝐞𝐝 𝐜𝐡𝐚𝐨𝐬!
— BJP (@BJP4India) November 21, 2026
કોંગ્રેસે મેટાને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું
પ્રદર્શન બાદ યુથ કોંગ્રેસે મેટાને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. યુથ કોંગ્રેસનો આરોપ છે કે 19 નવેમ્બરે મેટાએ તેના બે મોટા નેતાઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોટી રીતે બંધ કરી દીધા છે. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબ અને રાષ્ટ્રીય પ્રભારી મનીષ શર્માનો દાવો છે કે ભાજપના ઇશારે આ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. તેમણે 7 દિવસમાં આ એકાઉન્ટ ફરી શરૂ કરવાની માગ કરી છે.






