નવી દિલ્હી: એક તરફ ભાજપ બુધવારે નરેન્દ્ર મોદી સરકારનાં 12 વર્ષ પૂર્ણ થવાનો ઉજવણી કાર્યક્રમ કરી રહી હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસે ‘મોદીના કુશાસનનાં 12 વર્ષ’ નામે અભિયાન શરૂ કર્યું. કોંગ્રેસે વડા પ્રધાન પર ગરીબવિરોધી આર્થિક નીતિઓ અપનાવવાનો, મોટાં કોર્પોરેટ ઘરોને લાભ પહોંચાડવાનો અને ઇતિહાસને બદલવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે સરકારને આરોગ્ય સેવાઓની નિષ્ફળતા, પેપર લીક કૌભાંડો, મહિલાઓને અસર કરતી કલ્યાણકારી યોજનાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં બિન-વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવાને મુદ્દે પણ ઘેરી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારના કાર્યકાળને “ગરીબવિરોધી આર્થિક નીતિઓ અને નબળી વિદેશ નીતિના 12 વર્ષ” તરીકે ગણાવ્યો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે સરકારની નિષ્ફળતાઓનો બોજ માત્ર સામાન્ય જનતાએ જ કેમ ઉઠાવવો જોઈએ?
રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે મોદીજી, શું તમારી નિષ્ફળતાઓનો બોજ માત્ર ગરીબો જ ઉઠાવશે? શું નબળા પડતા અર્થતંત્રની કિંમત માત્ર મજૂરો, ખેડૂતો, મહિલાઓ અને મધ્યમ વર્ગ જ ચૂકવશે? તેમણે આરોપ લગાવ્યો હતો કે ગરીબવિરોધી આર્થિક નીતિઓને કારણે લાખો ગરીબ પરિવારો અને મહિલાઓ ફરીથી લાકડાના ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. રાહુલે દાવો કર્યો હતો કે ઉજ્જ્વલા યોજનામાં મળતા સબસિડીવાળા એલપીજી સિલિન્ડરોની સંખ્યા નવમાંથી ઘટાડી ચાર કરી દેવામાં આવી છે, જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 89 રૂપિયાનો વધારો થયો છે.
12 वर्षों की गरीब-विरोधी आर्थिक नीतियों और compromised विदेश नीति ने आज देश को ऐसे हालात में ला खड़ा कर दिया है जहाँ लाखों गरीब परिवारों और महिलाओं को लकड़ी के ज़हरीले धुएं की तरफ धकेल दिया गया है।
उज्ज्वला योजना में सब्सिडी वाले सिलेंडरों की संख्या 9 से घटाकर 4 कर दिया गया।…
— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2026
મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અબજોપતિ મિત્રોના લાખો કરોડ રૂપિયાના દેવાં માફ કરવાં અને પોતાની નિષ્ફળતાઓનું બિલ ગરીબો પર નાખવું જ મોદીનો ‘લૂટ મોડેલ’ છે. કોંગ્રેસની આ ટીકા ભાજપના નેતાઓ દ્વારા મોદી સરકારનાં 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અને 4399 દિવસના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવવાના જવાબમાં આવી છે. ભાજપે આ દરમિયાન કલમ 370 રદ કરવી, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા, UPIનું વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ તરીકે વિકસવું, GSTનો અમલ અને વંદે ભારત ટ્રેનોની શરૂઆત જેવી ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.






