નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ‘થર્ડ પાર્ટી’ ઇન્શ્યોરન્સ કવર અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની ફરજિયાત અવધિ વધારી છે. હવે નવાં ટૂ-વ્હીલર ખરીદતી વખતે છ વર્ષ અને ફોર-વ્હીલર ખરીદતી વખતે ચાર વર્ષનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત રહેશે. અગાઉ ટૂ-વ્હીલર માટે પાંચ વર્ષ અને ફોર-વ્હીલર માટે ત્રણ વર્ષનું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત હતું.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે ચિંતા વ્યક્ત કરી કે કાયદાકીય ફરજ હોવા છતાં અનેક વાહનોનો થર્ડ પાર્ટી વીમો લેવાતો નથી. કોર્ટે જણાવ્યું કે વર્ષ 2024-25ના અહેવાલ મુજબ રસ્તાઓ પર દોડતાં લગભગ 56 ટકા વાહનો ઇન્શ્યોરન્સ વિનાનાં છે. કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે ઇન્શ્યોરન્સ વગરનાં વાહનોને પેટ્રોલ-ડીઝલ ન આપવા અંગે વિચારણા કરવામાં આવે. કોર્ટે જણાવ્યું કે આવું કરવાથી બે ફાયદા થશે. પ્રથમ, ઇન્શ્યોરન્સ વિના ચાલતાં વાહનોની ઓળખ સરળ બનશે અને બીજું, લોકો વીમો કરાવવા માટે પ્રોત્સાહિત થશે.
પરંતુ સરકારને કેવી રીતે ખબર પડશે કે વાહનનો વીમો નથી?
સવાલ એ છે કે કયા વાહનનો ઇન્શ્યોરન્સ છે અને કયા વાહનનો નથી, તે કેવી રીતે જાણી શકાશે? તેનો જવાબ છે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મોટર વાહન અધિનિયમની કલમ 146 હેઠળ દરેક વાહન માટે ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. આ નિયમનું અસરકારક પાલન કરાવવા માટે ANPR કેમેરાનો ઉપયોગ કરી શકાય છે. કોર્ટે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) અને માર્ગ પરિવહન મંત્રાલયને કેટલાંક રાજ્યોમાં ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો (IIB) અને VAHAN પોર્ટલ સાથે જોડાયેલા ANPR કેમેરા સ્થાપિત કરવાની સૂચના આપી છે, જેથી ઇન્શ્યોરન્સ વગરનાં વાહનોને આપમેળે ઈ-ચલણ ફટકારી શકાય.
ANPR કેમેરા શું છે?
ANPR એટલે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન. આ એક સ્માર્ટ ટેક્નોલોજી છે, જે વાહનની નંબર પ્લેટ વાંચીને તેની સંપૂર્ણ વિગતો મેળવી શકે છે.




