ન્યૂ યોર્કના વોલ્ડોર્ફ એસ્ટોરિયા ખાતે સોનલ અંબાણીનું ‘ધ લાસ્ટ સ્ટેમ્પ’ પ્રદર્શન

ન્યૂ યોર્ક: સિટીના પ્રખ્યાત લેન્ડમાર્ક વોલ્ડોર્ફ એસ્ટોરિયા ખાતે MvVO ART SHOW 2026નું આયોજન થવાનું છે. જેમાં જાણીતા સમકાલીન મૂર્તિકાર સોનલ અંબાણીની સ્કેલ્પચરલ ઇન્સ્ટોલેશન (મૂર્તિકળા) ‘ધ લાસ્ટ સ્ટેમ્પ’ (The Last Stamp) પ્રદર્શિત કરવામાં આવવાનું છે. આ પ્રદર્શન આર્મોરી વીક અને સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા (UNGA) જેવા વૈશ્વિક સાંસ્કૃતિક પ્રસંગોની સાથે આયોજિત કરવામાં આવ્યું છે. આગામી ૨૧ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાવાનો છે.

કૃતિ પાછળનો પ્રેરણાદાયી વિચાર

ડેનમાર્ક દ્વારા તેના જાહેર પોસ્ટ બોક્સ હટાવવાના નિર્ણયથી પ્રેરિત થઈને સોનલ અંબાણીએ ડેનિશ પોસ્ટ બોક્સના આકારમાં આ મૂર્તિ તૈયાર કરી છે. આ કૃતિ સ્ટેનલેસ સ્ટીલની ઘડિયાળો (Timepieces) દ્વારા બનાવવામાં આવી છે. જે વીતી રહેલા સમય અને ટેકનોલોજીના કારણે પોસ્ટ બોક્સના અંતિમ  તબક્કાને દર્શાવે છે. મૂર્તિની વચ્ચેથી પસાર થતું લાલ રંગનું તીર (Vivid Red Arrow) જાહેર જીવનમાંથી પોસ્ટ બોક્સના વિદાય અને ડિજિટલ ભવિષ્ય તરફના સંક્રમણનું પ્રતીક છે.

સંવાદ અને કનેક્શનનું માધ્યમ

આ આર્ટવર્ક માત્ર જોઈને માણવા પૂરતું સીમિત નથી. પરંતુ મુલાકાતીઓને ચર્ચામાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપે છે. પ્રદર્શનમાં આવતા લોકો જાતે પોસ્ટકાર્ડ લખીને મોકલી શકે છે, જેની ડિજિટલ નોંધ પણ સંગ્રહિત કરવામાં આવશે. આ પ્રક્રિયા ડિજિટલ યુગમાં પણ માનવીય સંબંધો, પોતાના વિચારો વ્યક્ત કરવાની ઈચ્છા અને એકબીજા સાથે જોડાવાની ભાવનાને જીવંત રાખે છે.

કલાકાર સોનલ અંબાણીનો સંદેશ

“ધ લાસ્ટ સ્ટેમ્પ એ અંત વિશે નથી, પરંતુ પરિવર્તન અને ગતિશીલતા વિશે છે. તે એ ક્ષણને અંકિત કરે છે જ્યારે કોઈ વસ્તુ આપણી પાસેથી નીકળીને પોતાની નવી યાત્રા શરૂ કરે છે. ભલે સંચારના માધ્યમો બદલાય કે સ્વરૂપો વિકસિત થાય. પરંતુ એકબીજા સાથે જોડાવાની અને પહોંચવાની માનવીય જરૂરિયાત હંમેશા અકબંધ રહે છે.”