અમેરિકા: ઇઝરાયેલી-અમેરિકન વિવાદાસ્પદ રબ્બી જોસી મિઝ્રાચી (Yossi Mizrachi)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં રબ્બીએ હિન્દુ ધર્મમાં ગૌપૂજાની આસ્થા અને ભારતીય ડૉક્ટરોની મજાક ઉડાવતી અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ કરી છે, જેના કારણે ભારત અને ઇઝરાયેલ બંને દેશોના સોશિયલ મીડિયા યૂઝર્સ તથા અગ્રણીઓ દ્વારા તેમની ભારે ઝાટકણી કાઢવામાં આવી રહી છે.
વાયરલ થયેલા ક્લિપમાં રબ્બી મિઝ્રાચી હિન્દુઓની ગૌપૂજાની પ્રથા પર કટાક્ષ કરતા જોવા મળે છે અને ભારતીયો તથા ભારતીય ડૉક્ટરો વિરુદ્ધ પાયાવિહોણા અને અપમાનજનક દાવાઓ કરી રહ્યા છે. તેમની આ નફરતભરી ટિપ્પણીઓ સામે સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે. ઇઝરાયેલી સંશોધક અને લેખક યેશાયા રોસેનમેને પણ આ નિવેદનની સખત આલોચના કરતા જણાવ્યું છે કે આવા નિવેદનોથી ઇઝરાયેલની વૈશ્વિક છબીને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આ અગાઉ પણ રબ્બી મિઝ્રાચી હોલોકોસ્ટ પીડિતો અને દિવ્યાંગો વિશે વિવાદાસ્પદ નિવેદનો આપીને વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે.




