જમાત-એ-ઇસ્લામીનાં 500થી વધુ સ્થળોએ દરોડામાં વિવાદાસ્પદ સામગ્રી જપ્ત

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ખીણમાં જમાત-એ-ઇસ્લામી (JEI) સહિત પ્રતિબંધિત સંસ્થાઓ સાથે જોડાયેલા આશરે 500 લોકોનાં સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સૂચનાઓ મુજબ JEI સાથે જોડાયેલાં તત્ત્વો વિવિધ મોરચાઓ પર પોતાની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણના 10 જિલ્લાઓ — શ્રીનગર, ગાંધીરબલ, બડગામ, બારામુલા, બાંદિપોરા, કુપવાડા, અનંતનાગ, કુલગામ, પુલવામા અને શોપિયાનમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. JEI સભ્યો અને તેમના સાથીદારોના રહેણાક તથા અન્ય સ્થળોમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી જમીન સ્તરે આતંકી ઈકોસિસ્ટમ અને તેના માળખાને તોડી પાડવા માટેના સતત પ્રયાસોના ભાગરૂપે કરવામાં આવી છે.

શ્રીનગરમાં પોલીસે શહેરભરનાં 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા અધિનિયમ (UAPA) હેઠળ ચાલી રહેલી તપાસના ભાગરૂપે પ્રતિબંધિત આતંકી સંસ્થાઓ સાથે જોડાયેલા આતંકી સાથીદારો અને “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ”નાં ઘરો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

કાશ્મીરના સંદર્ભમાં “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ”નો અર્થ એ વ્યક્તિઓથી છે, જે આતંકીઓને સાધનસામગ્રી પૂરી પાડે છે અને ગુપ્ત પ્રવૃત્તિઓ ચલાવવામાં મદદ કરે છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં 200થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.

500થી વધુ લોકોની પૂછપરછ

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત JKNOP અને અન્ય પ્રતિબંધિત સંસ્થાઓ સાથે જોડાયેલા 500થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તેમાંથી ઘણા લોકોને પ્રતિબંધાત્મક કાયદા હેઠળ અનંતનાગ જિલ્લાના મટ્ટન જેલમાં ખસેડવામાં આવ્યા છે. આ દરોડામાં વિવાદાસ્પદ સામગ્રી અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આતંકવાદને સહાય આપતા નેટવર્કનો પતો લગાવવા અને તેને નષ્ટ કરવા માટે કેટલાકની ધરપકડ કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.