કોંગ્રેસે PM મોદીનો ચાવાળો AI વિડિયો શેર કરતાં વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાળો બતાવતાં તેમનો એક ફની AI વિડિયો શેર કર્યો છે. આ વિડિયો વાયરલ થતાં જ રાજકીય વિવાદ થયો છે. આ વિડિયો પર સવાલ ઊભા કરતાં ભાજપે કહ્યું છે કે વડા પ્રધાનની ગરિમા સાથે આવા પ્રકારનો વ્યવહાર કેવી રીતે કરી શકાય? આ વિડિયો કોંગ્રેસનાં નેતા રાગિની નાયકના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

ભાજપે આ AI વિડિયોને PM નરેન્દ્ર મોદીનું અપમાન ગણાવ્યો છે અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં પક્ષે કહ્યું છે કે  140 કરોડની જનતા PM મોદીને આશીર્વાદ આપે છે, જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસને નકારી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે કોંગ્રેસનું આ શરમજનક ટ્વીટ કોંગ્રેસ નેતૃત્વની વિકૃત માનસિકતાને ઉજાગર કરે છે.

કોંગ્રેસનું આ ઘૃણાસ્પદ ટ્વીટ 140 કરોડ મહેનતુ અને લાયક ભારતીયોનું ગંભીર અપમાન છે અને OBC સમુદાય પર સીધો હુમલો છે. કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધીને આ હકીકતથી નફરત છે કે ભારતની જનતા સતત વડા પ્રધાન મોદીજીને આશીર્વાદ આપે છે અને પસંદ કરે છે, જેઓ સમર્પણ અને મહેનતથી આગળ વધ્યા છે, જ્યારે અહંકારી અને વિશેષાધિકારી રાહુલ ગાંધીને જનતાએ વારંવાર નકારી છે. કોંગ્રેસ પાર્ટી PM મોદી અને તેમની દિવંગત માતાનું અપમાન કરવામાં આદતની ગુનેગાર રહી છે. ભારતની જનતા આ પતિત બદલ કોંગ્રેસને આકરો પાઠ શીખવશે.