નવી દિલ્હીઃ ભારતના સંઘીય માળખામાં રાજ્યોના મુખ્ય મંત્રીઓએ પોતાના રાજ્યના વિકાસ, રોકાણ આકર્ષવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે અવારનવાર વિદેશ પ્રવાસ કરવા પડે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન અને કેન્દ્ર સરકાર વચ્ચે વિદેશ પ્રવાસની મંજૂરીને લઈને સતત ટકરાવ જોવા મળી રહ્યો છે. આ મામલો હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું ભારતના તમામ મુખ્ય મંત્રીઓએ વિદેશ પ્રવાસ પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે?
પંજાબ સરકાર વિરુદ્ધ કેન્દ્ર: તાજેતરનો વિવાદ અને હાઈકોર્ટનું વલણ
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ ત્યારે વધુ વકર્યો, જ્યારે વિદેશ મંત્રાલયે તેમના કેટલાક મહત્ત્વપૂર્ણ વિદેશ પ્રવાસના પ્રસ્તાવો નકારી કાઢ્યા. ત્યાર બાદ પંજાબ સરકારે કાનૂની માર્ગ અપનાવીને હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.
આ વિવાદનાં કેટલાંક મુખ્ય ઉદાહરણો નીચે મુજબ છે.
1. ફ્રાન્સ પ્રવાસ (સપ્ટેમ્બર/ઓક્ટોબર, 2026)
મુખ્યમંત્રી ભગવંત માન ફ્રાન્સમાં વેપારને પ્રોત્સાહન આપવા અને વિદેશમાં વસતા ભારતીયો સાથે સંપર્ક સાધવાના કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. જોકે વિદેશ મંત્રાલયના ઓનલાઇન પોર્ટલ પર અરજીને કોઈ વિસ્તૃત કારણ આપ્યા વિના માત્ર ‘Denied’ (નામંજૂર) તરીકે દર્શાવવામાં આવી હતી. આ નિર્ણય સામે પંજાબ સરકારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી.
2. નેધરલેન્ડ્સ અને ચેક રિપબ્લિક (ફેબ્રુઆરી, 2026)
પંજાબમાં ઔદ્યોગિક રોકાણ આકર્ષવા માટેનો એક નિર્ધારિત વિદેશ પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરવો પડ્યો હતો, કારણ કે નિર્ધારિત પ્રસ્થાનની તારીખ સુધી વિદેશ મંત્રાલય તરફથી રાજકીય મંજૂરી મળી શકી નહોતી.
3. યુનાઇટેડ કિંગડમ અને ઇઝરાયેલ (જાન્યુઆરી 2026)
‘પ્રોગ્રેસિવ પંજાબ ઇન્વેસ્ટર્સ સમિટ’ પહેલાં સંભવિત રોકાણકારો અને ખરીદદારો સાથે મુલાકાત કરવા માટે ભગવંત માને 25 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે વિદેશ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે આ પ્રવાસને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

ફ્રાન્સમાં ભારતીય પુરુષ હોકી ટીમનો ઉત્સાહ વધારવા અને તેની મેચ જોવા જવા માટે પણ કેન્દ્ર સરકારે ભગવંત માનને મંજૂરી આપી નહોતી. આ અંગે એવું કારણ જણાવવામાં આવ્યું હતું કે Z-પ્લસ સુરક્ષા ધરાવતા વ્યક્તિ માટે વિદેશની ધરતી પર સુરક્ષા વ્યવસ્થાનું સંકલન કરવું અત્યંત મુશ્કેલ બની શકે છે.






