ગીર સોમનાથની બે સગીરાનું મહેસાણાની ઉનાવા દરગાહમાં ધર્મ પરિવર્તન કરાયાનો આક્ષેપ

ગીર સોમનાથ: જિલ્લાના કોડીનાર વિસ્તારની બે સગીરાઓને મહેસાણા જિલ્લાના ઉનાવા સ્થિત દાતારબાપુની દરગાહમાં લઈ જઈને કથિત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલો સામે આવતાની સાથે જ ભારે વિવાદ સર્જાયો છે અને હિન્દુ સંગઠનો તથા પરિવારજનોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથની આ બે સગીરાઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ મહેસાણાના ઉનાવા ખાતે આવેલી દરગાહમાંથી મળી આવી હતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે સગીરાઓનું બળજબરીથી કે પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. આ સંવેદનશીલ મામલાને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે અને સગીરાઓની પૂછપરછ તથા મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

CCTV તપાસ બાદ દરગાહમાંથી મળી આવી 
તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યાં હતાં. આ તપાસમાં બંને સગીરાઓનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ તરફ મળ્યું હતું. ત્યારબાદ કોડીનાર પોલીસની ટીમ ઉનાવા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતાર દરગાહમાંથી બંને સગીરાઓને શોધી કાઢી હતી. બંને બુરખો પહેરેલી હાલતમાં મળી આવી હોવાનું જણાવાયું છે. પોલીસે તેમનો કબજો મેળવી મહિલા પોલીસની મદદથી કોડીનાર પરત લાવી હતી.

કાઉન્સેલિંગ દરમિયાન ધર્મપરિવર્તનના આક્ષેપ
કોડીનાર પરત લાવ્યા બાદ મહિલા પોલીસ દ્વારા બંને સગીરાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન સગીરાઓએ આપેલી વિગતોના આધારે તેમને ઉનાવા લઈ જવા, બુરખો પહેરાવવા અને નામ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સગીરાઓના જણાવ્યા મુજબ, તેમની સાથે ધર્મપરિવર્તન સંબંધિત વિધિઓ કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી હોવાનું જણાવાયું છે.

ઉનાવા સ્ટેશનથી દરગાહ લઈ જવાયાં
સગીરાના આક્ષેપ મુજબ, ઉનાવા રેલવે સ્ટેશન પર એક યુવક રિક્ષા લઈને તેમને લેવા આવ્યો હતો. ત્યારબાદ બંનેને મીરા દાતાર દરગાહ લઈ જવામાં આવી. ત્યાં ચાદર સહિતની વસ્તુઓ લાવવામાં આવી હતી અને દિવસ દરમિયાન દરગાહમાં બેસવા તથા સાંજે બહાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સગીરાએ વધુમાં દાવો કર્યો હતો કે ધોરાજીના એક યુવકે બંનેના મોબાઇલ ફોનમાંથી સિમકાર્ડ કાઢીને તોડી નાખ્યાં હતાં, જેથી પરિવારજનો તેમનું લોકેશન શોધી ન શકે.

16 વર્ષના કિશોર સાથે લગ્ન કરાવવાનો પણ આક્ષેપ
આ કેસમાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે એક સગીરાને 16 વર્ષના કિશોર સાથે લગ્ન કરવા અને ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સગીરાએ પૂછપરછ દરમિયાન આ અંગે પણ વિગતો આપી હોવાનું જણાવાયું છે. જોકે, આ તમામ બાબતો હાલ સગીરાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પોલીસ તપાસનો વિષય છે. તેમની પુષ્ટિ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ થઈ શકશે.

મૌલવી સહિત ચાર આરોપીઓની ધરપકડ
આ કેસમાં કોડીનાર પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેમાં ઉનાવાની મીરા દાતાર દરગાહના મૌલવી, એક સગીરાના કહેવાતા મામા, ધોરાજીનો એક યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બંને સગીરાઓનાં નિવેદનો, તેમની મુસાફરીનો માર્ગ, મોબાઇલ ફોન અને સિમકાર્ડ સંબંધિત વિગતો તેમજ ધર્મપરિવર્તન અને લગ્નના આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન અન્ય સગીરાઓ કે યુવતીઓ સાથે પણ આવી કોઈ ઘટના બની છે કે નહીં તે દિશામાં વિગતો એકત્રિત કરવામાં આવી શકે છે. જોકે, હાલ કોઈ મોટા ધર્મપરિવર્તન રેકેટની પુષ્ટિ થઈ નથી. તપાસમાં મળતા પુરાવા અને આરોપીઓની પૂછપરછ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.