પ્રિયંકા ગાંધીના પુત્રની આર્ટ ગેલેરી પર બિકાનેર હાઉસમાં વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર અને ફોટોગ્રાફર રેહાન વાડ્રાએ બુધવારે (21 ઓક્ટોબર) જણાવ્યું હતું કે બિકાનેર હાઉસ પ્રશાસને તેમની સોલો (એકલ) પ્રદર્શન શરૂ થવાના થોડા કલાકો પહેલાં દિલ્હીમાં તાજેતરના વિરોધ-પ્રદર્શનોથી જોડાયેલી તેમની ઘણી તસવીરો હટાવી દીધી છે.

પ્રદર્શન ‘નો આઈડિયા ઈઝ ફાઈનલ’ નો પ્રિવ્યૂ બુધવારે યોજાયો હતો. આ પ્રદર્શન ગુરુવાર (22 ઓક્ટોબર)થી આમ જનતા માટે ખૂલશે. રેહાને જણાવ્યું હતું કે તેમને બુધવારે બપોરે લગભગ સાડાત્રણ વાગ્યે કહેવામાં આવ્યું હતું કે જો તસવીરો સાંજે પાંચ વાગ્યા સુધીમાં હટાવવામાં નહીં આવે, તો પ્રદર્શન રદ કરી દેવામાં આવશે. રેહાને કહ્યું હતું કે તેમણે પ્રદર્શનનો વિગતવાર પ્રસ્તાવ અને ફોર્મેટ બિકાનેર હાઉસ મેનેજમેન્ટ સાથે ઘણા સમય પહેલાં શેર કરી દીધા હતા, તેમ છતાં પ્રશાસને ઘણી તસવીરો હટાવી દીધી હતી.

રેહાનના જણાવ્યાનુસાર પ્રદર્શનમાં શરૂઆતમાં વન્યજીવન, અમૂર્ત કળા (Abstract Art) અને ભારતમાં યુવાનોના તાજેતરનાં પ્રદર્શનોની તસવીરો સહિત 100 થી વધુ તસવીરો સામેલ હતી, જેમાંથી 70 થી વધુ તસવીરો હટાવી દેવામાં આવી છે. જ્યારે આશરે 40 તસવીરો હજુ પણ પ્રદર્શિત છે.

પ્રદર્શન શરૂ થાય એ પહેલા તસવીરો હટાવવાનો આરોપ

રેહાન વાડ્રાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દાવો કર્યો કે પ્રદર્શનના ઉદ્ઘાટનના આશરે પાંચ કલાક પહેલા બિકાનેર હાઉસ મેનેજમેન્ટે તેમના શોમાં પ્રદર્શિત મોટા ભાગની કલાકૃતિઓને હટાવવા માટે કહ્યું હતું.

પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કર્યો વિરોધ

રેહાનનાં માતા અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ તસવીરો હટાવવા બદલ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે આ હાસ્યાસ્પદ છે. તેઓ દેશભરના યુવાનોના અવાજને દબાવી રહ્યા છે. તેથી એ સ્વાભાવિક જ છે કે તેઓ કોઈની પણ સાથે આવું કરશે.

બિકાનેર હાઉસનું નિવેદન

બિકાનેર હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દા પર ટિપ્પણી કરવા માટે અધિકૃત નથી. બિકાનેર હાઉસના સીસીએ ભવનના પહેલા માળે આવેલા બે મોટા રૂમની દીવાલો પરથી લગભગ 74 તસવીરો હટાવ્યા બાદ ત્યાં તસવીરોની જગ્યાએ લગાવેલી ખીલીઓ દેખાઈ રહી હતી.

74 કલાકૃતિઓ હટાવવાનો દાવો, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે દાવો કર્યો કે બીકાનેર હાઉસમાંથી પ્રદર્શનની 74 કલાકૃતિઓ હટાવવામાં આવી, જે તેમના મુજબ કુલ પ્રદર્શનનો લગભગ અડધો હિસ્સો હતો.