કોંગ્રેસમાં વિવાદઃ CM રેવંત રેડ્ડીએ કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવ્યા

હૈદરાબાદઃ તેલંગાણા કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્ય મંત્રી એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે મંત્રી કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યપાલને ભલામણ મોકલી દેવામાં આવી છે. મુખ્ય મંત્રીનો આ નિર્ણય તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીની શિસ્ત સમિતિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. સમિતિએ તાજેતરમાં મંત્રી સુરેખાની પુત્રી દ્વારા આપવામાં આવેલાં વિવાદાસ્પદ નિવેદનોને લઈને તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

સમિતિએ સુરેખાને કેબિનેટમાંથી હટાવવા ઉપરાંત ચિન્ના રેડ્ડીને પણ પ્લાનિંગ બોર્ડના પદ પરથી હટાવવાની ભલામણ કરી હતી. ચિન્ના રેડ્ડી પર પણ પાર્ટીના શિસ્તભંગનો આરોપ હતો. તેમને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમને સ્થાને ગડવાલ વિજયલક્ષ્મીને તેલંગાણા પ્લાનિંગ બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.

સુરેખા સાથે જોડાયેલો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે તેમની પુત્રી કોંડા સુષ્મિતા પટેલે ઓગસ્ટમાં એક જાહેર કાર્યક્રમમાં રેવંત રેડ્ડી અને તેમના પરિવાર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તે સમયે મંત્રી સુરેખાએ કહ્યું હતું કે તેમની પુત્રીનો અભિપ્રાય અંગત હતો અને તેના માટે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ નહીં. જોકે કોંગ્રેસની અંદર ખાસ કરીને મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીના જૂથના ધારાસભ્યોએ સુરેખા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

રેવંત રેડ્ડીએ કરી હતી કાર્યવાહી કરવાની માગ

રેવંત રેડ્ડીએ દિલ્હી પ્રવાસ દરમિયાન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સુરેખા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. વધતા દબાણ છતાં સુરેખાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને પાર્ટી નેતૃત્વને તેમની સામે કાર્યવાહી કરવાનો પડકાર આપ્યો હતો. બુધવારે તેમણે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગયા મહિને પણ તેલંગાણામાં રાજકીય વિવાદ ચર્ચામાં રહ્યો હતો, જ્યારે કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે સૂર્યાપેટમાં અથડામણ થઈ હતી અને પથ્થરમારો થયો હતો.