બિહારમાં SIR મુદ્દે બબાલઃ 15 લાખ ફોર્મ ક્યાં ગયાં?

પટનાઃ બિહારમાં મતદાતા યાદીના વિશેષ ગહન સમીક્ષા (SIR)ની પ્રક્રિયા ચાલુ છે અને ફોર્મ ભરીને જમા કરાવવાની છેલ્લી તારીખના માત્ર બે  દિવસ જ બાકી છે. અત્યાર સુધીમાં 98 ટકા ફોર્મ જમા કરાવી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી 15 લાખ ફોર્મ ભરીને જમા કરવામાં આવ્યાં નથી. આગામી બે દિવસમાં આ સંખ્યા વધુ વધી શકે છે. પરિણામે મોટી સંખ્યામાં મતદાતાઓના નામ મતદાતા યાદીમાંથી કાપવામાં આવી શકે છે. આ પ્રક્રિયાને લઈને બિહારથી લઈને દિલ્હીની રાજકારણમાં ગરમાવો છે. હવે તો સત્તારૂઢ ગઠબંધનમાં સામેલ લોકો પણ આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સંસદમાં સતત હંગામો

દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અહીં પણ વિપક્ષના સાંસદો સતત SIR વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી સંસદની કામગીરી પણ આ મામલાના કારણે ઠપ થઇ ગઈ છે. બિહાર વિધાનસભામાં પણ ભારે હંગામો થયો છે અને કાર્ય યોગ્ય રીતે ચાલી શકી નથી.

બિહાર વિધાનસભામાં પણ ગરમાવો

આ મુદ્દો માત્ર સંસદમાં જ નહીં પરંતુ બિહાર વિધાનસભામાં પણ છવાયેલો છે. અહીં CM નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વચ્ચે ફરીથી ઘર્ષણ થયું હતું.

71 લાખ મતદાતાઓના નામ કપાઈ શકે

ચુંટણી પંચના જણાવ્યા અનુસાર 20 લાખ લોકોનાં મોત થયા છે. 28 લાખ લોકો કાયમ માટે વિસ્થાપિત થઈ ગયા છે. જ્યારે સાત લાખ લોકો બે કે તેથી વધુ સ્થળે મતદાર તરીકે નોંધાયેલા છે. કુલ મળીને આશરે 71 લાખ લોકોના નામ મતદાતા યાદીમાંથી કાપી શકાય છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે SIRના પ્રથમ તબક્કામાં જે લોકો ખોટી રીતે યાદીમાં સમાવિષ્ટ છે અથવા જેમણે ફોર્મ નથી આપ્યાં, તેમનો ડેટા 20 જુલાઈએ બિહારના તમામ 12 મોટા રાજકીય પક્ષોના જિલ્લા અધ્યક્ષો દ્વારા નિયુક્ત કરાયેલા અંદાજે 1.5 લાખ બૂથ લેવલ એજન્ટો (BLA) સાથે શેર કરવામાં આવ્યો છે.