પટનાઃ બિહાર ચૂંટણી પહેલાં PM નરેન્દ્ર મોદી અને તેમનાં માતા હીરાબહેનને લઈને રાજકીય વિવાદ શાંત પડતો નથી. પહેલા જ્યાં કોંગ્રેસની વોટર અધિકાર યાત્રા દરમિયાન PM મોદી અને તેમનાં માતા અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યાં હવે નવો AI વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો બિહાર કોંગ્રેસે સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં PM મોદી અને તેમનાં માતા દેખાય છે. કોંગ્રેસના આ વિડિયો અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપે આ વિડિયોને વડા પ્રધાનનાં માતા, મહિલાઓ અને ગરીબોનું અપમાન ગણાવ્યો છે.
ભાજપે કર્યો પ્રહાર
ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ આ વિડિયો અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર PM મોદીનાં માતાનું અપમાન કરી રહી છે. આ હવે ગાંધીજીની કોંગ્રેસ નથી રહી, આ “ગાળો કોંગ્રેસ” બની ગઈ છે. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે કોંગ્રેસને આ વિડિયોને લઈને શરમ આવવી જોઈએ. તેમણે ફરી એક વાર પી.એમ. મોદીનાં માતા, જે હવે આ દુનિયામાં નથી, તેમનું અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતાઓએ આ વિડિયો માટે માફી માગવી જોઈએ.
PMને લખાયો પત્ર
PM મોદી અને તેમનાં માતાનો AI વિડિયો બનાવવાને મામલે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ PM મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આવા વિડિયો અંગે વાંધો ઉઠાવી ટેકનોલોજીના દુરુપયોગની વાત કરી છે. તેમણે કહ્યું છે કે આવી તક્નિકી ઉપયોગ અંગે કોઈ નિયમ-કાયદો બનાવવો જરૂરી છે. આવા વિડિયોમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે તે આપણા ભારત દેશમાં ક્યારેય થતો નથી. અમે લોકો આ વિડિયોમાં દર્શાવાયેલા સંવાદથી પીડાઈ રહ્યા છીએ. તેથી જ અમે આ પત્ર લખ્યો છે.
साहब के सपनों में आईं “माँ”
देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m
— Bihar Congress (@INCBihar) September 10, 2025
આ AI વીડિયો શું છે?
બિહાર કોંગ્રેસે જે AI વિડિયો જાહેર કર્યો છે તેમાં PM મોદીને સૂતા બતાવવામાં આવ્યા છે. એ દરમ્યાન તેમનાં માતા આવે છે અને તેમને વઢે છે. આ વિડિયોમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે તેને લઈને વિવાદ ઊભો થયો છે.




