તેલંગાણા મંત્રીમંડળમાં અઝરુદ્દીનને સામેલ કરવા પર વિવાદ

હૈદરાબાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીનને તેલંગાણા કેબિનેટમાં સામેલ કરવાની પ્રસ્તાવનાએ રાજ્યના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. મુખ્ય મંત્રી એ. રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની સરકારે આજે બપોરે અઝરુદ્દીનને સત્તાવાર રીતે મંત્રી તરીકે શપથ લેવડાવવાની તૈયારી કરી હતી, પરંતુ ભાજપે તેનો આકરો વાંધો ઉઠાવી તેને જુબલી હિલ્સ વિધાનસભા ઉપચૂંટણી સાથે જોડ્યો છે. ભાજપે  સીધા મુખ્ય ચૂંટણી અધિકારીને મળીને શપથવિધિ અટકાવવાની માગ કરી છે.

અઝરુદ્દીનને સામેલ કરવા પર ભાજપનો વાંધો શો?

રાજભવન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્મા આજે સવારે રાજભવનમાં મુખ્ય મંત્રી અને અન્ય કેબિનેટ સહયોગીઓની હાજરીમાં અઝરુદ્દીનને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે, પરંતુ જુબલી હિલ્સ વિધાનસભા બેઠક પર 11 નવેમ્બરની ઉપચૂંટણી પહેલાં અઝરુદ્દીનને કેબિનેટમાં સામેલ કરવાની પ્રસ્તાવના પર BJPએ ‘મોડેલ કોડ ઓફ કંડક્ટ’ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

ભાજપની ચૂંટણી પંચ સંબંધિત સમિતિના અધ્યક્ષ મરી શશિધર રેડ્ડી મુખ્ય ચૂંટણી અધિકારી સી. સુદર્શન રેડ્ડીને મળી શપથવિધિ રોકવાની વિનંતી કરી હતી. તેમણે દલીલ કરી કે મંત્રીમંડળમાં અઝરુદ્દીનની નિમણૂક જુબલી હિલ્સ ઉપચૂંટણીમાં ‘એક વિશેષ વર્ગના મતદાતાઓને લલચાવવાનો પ્રયત્ન’ છે. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ક્રિકેટર સ્વયં જુબલી હિલ્સના મતદાર છે અને 2023ની ચૂંટણીમાં તેઓ એ જ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હતા. ભાજપ નેતાએ તેને કોંગ્રેસની ‘દુર્ભાવનાપૂર્ણ ઇરાદો’ ગણાવ્યો હતો.

ભાજપ અલ્પસંખ્યક નેતાને નિશાન બનાવી રહી છે: કોંગ્રેસનો પ્રત્યાઘાત

ભાજપના આક્ષેપો પર કોંગ્રેસે પણ કડક પ્રતિક્રિયા આપી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ભોંગીરથી સાંસદ ચામલા કિરણકુમાર રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે એક મહત્વપૂર્ણ અલ્પસંખ્યક નેતાને કેબિનેટમાં આવતા સહન નથી કરી શકતો. તેમણે ભાજપ પર જુબલી હિલ્સમાં ‘સાંપ્રદાયિક ભાવનાઓ ઉશ્કેરવાના’ તથા વિભાજનકારી રાજકારણના આરોપો લગાવ્યા.


કોંગ્રેસે BJPના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર પણ હુમલો કર્યો હતો. પ્રવક્તાએ દાવો કર્યો કે ભાજપ અને BRS મળીને ‘ગુપ્ત સમજૂતી’ દ્વારા કોંગ્રેસને તેના ધર્મનિરપેક્ષ આધારને મજબૂત બનાવવા રોકવાની ‘સંયુક્ત કાવતરું’ કરી રહ્યા છે.