બાનુ મુશ્તાકને દશેરા ઉત્સવમાં મુખ્ય અતિથિ બનાવાતાં વિવાદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મૈસુર ચામુંડી મંદિરમાં દશેરા ઉત્સવના ઉદઘાટન માટે બાનુ મુશ્તાકને આમંત્રણ આપવાના કર્નાટક હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફગાવી કરી દીધી છે. અરજદાર તરફથી સિનિયર એડવોકેટ પી.બી. સુરેશે દલીલ કરી કે કોઈ ગેર-હિંદુ વ્યક્તિને પૂજા કરવાની પરવાનગી આપી શકાતી નથી. ત્યાર બાદ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે તેમના આ તર્કને ફગાવ્યો હતો. સુરેશે દલીલ કરી કે મંદિરમાં પૂજાને ધર્મનિરપેક્ષ કાર્ય માનવામાં આવી શકતું નથી. તેમણે કહ્યું હતું કે આ સંપૂર્ણપણે રાજકીય છે. કોઈ કારણ નથી કે તેમને ધાર્મિક ઉત્સવ માટે મંદિરમાં લાવવામાં આવે. જસ્ટિસ નાથે ફરી દોહરાવ્યું હતું કે અરજી ફગાવવામાં આવે છે.

આ પહેલાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્સવના શુભારંભના પ્રસંગે ચામુંડેશ્વરી મંદિરના ગર્ભગૃહમાં ગેર-હિંદુ ‘આગમિક પૂજા’ કરી શકતા નથી. બાનુ મુશ્તાક એક પ્રખ્યાત લેખિકા અને બુકર પુરસ્કારવિજેતા છે.

વકીલ સુઘોષ સુબ્રમણ્યમે CJI બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ કર્નાટક હાઇકોર્ટના તે આદેશ સામે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી, જેમાં 22 સપ્ટેમ્બરે દશેરા ઉત્સવના શુભારંભના પ્રસંગે મંદિરમાં એક મુસ્લિમ દ્વારા અનુષ્ઠાન કરવા સામે દાખલ અરજી ફગાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ હિંદુ રીતરિવાજોના વિરોધમાં હશે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડશે.

અરજદાર એચ.એસ. ગૌરવે કહ્યું હતું કે ચામુંડેશ્વરી મંદિરમાં દશેરાનું ઉદઘાટન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ એક પવિત્ર અનુષ્ઠાન છે જે દેવી ચામુંડેશ્વરીની ‘આગમિક પૂજા’થી શરૂ થાય છે, જે ઉદઘાટન કરનાર મહાનુભાવો દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે મુસ્લિમ દ્વારા આ પૂજા કરવામાં આવવાથી કર્નાટક તથા વિશ્વભરના લાખો હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચશે.

બાનુ મુશ્તાક કોણ છે?

62 વર્ષીય બાનુ મુશ્તાક એક કન્નડ લેખિકા, કાર્યકર તેમ જ ખેડૂત અને કન્નડ ભાષા આંદોલનનાં ભૂતપૂર્વ સભ્ય છે. મે, 2025માં તેઓ પોતાના લઘુકથા સંગ્રહ “એડેયા હનાટે (હાર્ટ લેમ્પ)” માટે આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ જીતનાર પ્રથમ કન્નડ લેખિકા બન્યાં હતાં.  આ કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ દીપા ભસ્થ દ્વારા કરવામાં આવ્યો હતો.