કોંગ્રેસ નેતાની GenZ, નેપો કિડ્સ મુદ્દે કરેલી પોસ્ટને લઈને વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ અનેક એશિયાઈ દેશોમાં સર્જાયેલા રાજકીય ઊથલપાથલ અંગે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ કરી, જેને કારણે રાજકીય ચર્ચા ચૌરે ને ચૌટે છે. ભાજપે તેમના આ નિવેદનને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સીધો હુમલો ગણાવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એશિયાના ઘણા દેશોમાં તખતાપલટ થયા અને સરકારો બદલાઈ ગઈ. એના પર મનીષ તિવારીએ વંશવાદી રાજકારણ વિરુદ્ધ વધતા ગુસ્સાને વ્યક્ત કર્યો હતો.

હવે કોઈનો વિશેષાધિકાર સ્વીકાર્ય નથી : મનીષ તિવારી

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ X પર પોસ્ટ કરી લખ્યું  હતું કે જનરેશન X, Y, Z હવે કોઈનો વિશેષાધિકાર સ્વીકારતી નથી. જુલાઈ, 2023માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, જુલાઈ 2024માં બાંગ્લાદેશમાં શેખ હસીના, સપ્ટેમ્બર 2025માં નેપાળમાં કેપી શર્મા ઓલી અને ફિલિપિઈન્સમાં ફર્ડિનાંડ માર્કોસ જુનિયર વિરુદ્ધ થયેલા વિરોધ આંદોલનો તેની સાબિતી છે.” તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયા ટ્રેન્ડ્સે વંશવાદને ધ્વસ્ત કર્યો છે અથવા તો તેને પડકાર્યો છે.

ભાજપે નિવેદનને રાહુલ ગાંધી સાથે જોડ્યું

ભાજપે તેમના નિવેદનને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે જોડ્યું હતું. ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે G-23 બાગી ગ્રુપના સભ્ય, વરિષ્ઠ કોંગ્રેસ નેતા મનીષ તિવારી, ભારતીય રાજકારણના સૌથી મોટા ‘નેપો કિડ’ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે “Gen-Z તો દૂરની વાત છે, કોંગ્રેસના પોતાના દિગ્ગજો પણ તેમની રાજકારણથી કંટાળી ગયા છે. હવે બળવો અંદરથી જ છે.

કોંગ્રેસ નેતાની સ્પષ્ટતા

અમિત માલવિયાને જવાબ આપતાં મનીષ તિવારીએ તેમના પોસ્ટમાં ભાજપના તાર્કિક દાવાને નકારી કાઢ્યો. તેમણે કહ્યું  હતું કે હું ફક્ત ઈચ્છું છું કે કેટલાક લોકો જીવનમાં આગળ વધે. આ ચર્ચાને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના રાજકીય ઘમાસાણ સુધી મર્યાદિત રાખવી નહીં જોઈએ, પરંતુ દક્ષિણ અને પૂર્વ એશિયાના મોટા બનાવો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્યાં જે કંઈ થઈ રહ્યું છે, તેના રાષ્ટ્રીય સુરક્ષામાં ગંભીર પ્રભાવ છે.