ઉત્તરાખંડમાં દલેર મહેંદીના કાર્યક્રમને લઈને વિવાદ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં એક કાર્યક્રમમાં દલેર મહેંદીના પ્રદર્શનને લઈને શરૂ થયેલો વિવાદ હવે નવો વળાંક લઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં રાજ્યના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ ગાયકના પ્રદર્શનથી નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ દલેર મહેંદી પર દારૂ પીને સ્ટેજ પર આવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે તેમના ભાઈ અને ગાયક મિકા સિંહે આ આરોપો અંગે ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરી છે. મિકાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો કોઈ દલેર મહેંદીને દારૂ પીતા જોયા હોવાનો દાવો સાબિત કરી દે, તો તેઓ ગાયકી છોડી દેશે.

‘દલેર મહેંદીએ ક્યારેય દારૂ પીધો નથી’: મિકા સિંહનો દાવો

મિકા સિંહે પોતાના ભાઈનો બચાવ કરતાં દારૂ પીવાના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે દલેર મહેંદીનું નામ ક્યારેય દારૂ પીવા સાથે જોડાયું નથી અને તેમની વિરુદ્ધ આવી વાતો કરવી યોગ્ય નથી.

તબિયત ખરાબ હોવા છતાં સ્ટેજ પર પહોંચ્યા હતા દલેર મહેંદી?

મિકા સિંહેએ પણ જણાવ્યું હતું કે દલેર મહેંદી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેમની મોટી સર્જરી પણ થઈ હતી. મિકાના જણાવ્યાનુસાર શક્ય છે કે ખરાબ તબિયત હોવા છતાં અગાઉ આપેલું વચન નિભાવવા માટે દલેર કાર્યક્રમમાં પહોંચ્યા હોય.

35 લાખ રૂપિયાની ફી અને લિપ-સિંકિંગને લઈને સવાલો

આ સમગ્ર વિવાદ ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં નવરાત્રિ દરમિયાન આયોજિત કુંજાપુરી મેળાનો છે. 18 ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમમાં દલેર મહેંદીની રજૂઆત દરમિયાન મંત્રી સુબોધ ઉનિયાલ સ્ટેજ પર પહોંચ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી.

મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે ગાયક સ્ટેજ પર યોગ્ય રીતે ગાઈ રહ્યા ન હતા અને ગીતો પર માત્ર લિપ-સિંકિંગ કરી રહ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કાર્યક્રમ માટે દલેર મહેંદીને 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, તેથી તેમની પાસેથી વધુ સારી રજૂઆતની અપેક્ષા હતી. ઉનિયાલે ધાર્મિક કાર્યક્રમમાં કથિત રીતે દારૂ પીને રજૂઆત કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. જોકે દલેર મહેંદી દારૂના નશામાં હતા તેવો આરોપ સાબિત થયો નથી.

વિવાદ વચ્ચે બંને ભાઈઓ ચર્ચામાં

એક તરફ મંત્રી સુબોધ ઉનિયાલે દલેર મહેંદીની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે, તો બીજી તરફ મીકા સિંહ પોતાના ભાઈના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યા છે.