મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને આકરો નિયમ લાગુ કર્યો છે, જેમાં તમામ લાઇસન્સ ધરાવતા ઓટો અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમ પહેલી મે એટલે કે મહારાષ્ટ્ર દિવસથી અમલમાં આવશે. આ નિર્ણયને લઈને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે — કેટલાક લોકો તેનો સમર્થન કરે છે, જ્યારે કેટલાક લોકોને રોજગાર અને ભ્રષ્ટાચાર અંગે ચિંતા છે.
‘મરાઠી’નું જ્ઞાન ફરજિયાત બનાવાયું
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું હતું કે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ રાજ્યભરમાં તપાસ અભિયાન શરૂ કરશે. રાજ્યના 59 પ્રાદેશિક અને ઉપ-પ્રાદેશિક કચેરીઓમાં ડ્રાઈવરોની તપાસ કરવામાં આવશે અને તેમને મરાઠી વાંચતા-લખતા આવે છે કે નહીં તે ચકાસવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ નિયમ પહેલેથી જ લાઇસન્સ માટેના નિયમોમાં હતો, પરંતુ ફરિયાદો મળ્યા બાદ હવે તેને કડક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર, છત્રપતિ સંભાજીનગર અને નાગપુરમાંથી એવી ફરિયાદો મળી છે કે ઘણા ડ્રાઈવરો મરાઠીમાં વાતચીત કરતા નથી અથવા ટાળે છે. તેમણે કહ્યું કે રાજ્યની સત્તાવાર ભાષાનું માન રાખવું “વ્યાવસાયિક જવાબદારી” છે. નિયમનો ભંગ કરનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ઘણા લોકોએ નિર્ણયનું સમર્થન કર્યું
કેટલાક ડ્રાઈવરોનું માનવું છે કે મરાઠી શીખવાથી મુસાફરો સાથે વધુ સારી રીતે જોડાઈ શકાય છે. મુંબઈ સેન્ટ્રલમાં 1990થી ટેક્સી ચલાવતા અશોક દુબેએ કહ્યું હતું કે તેમને લગભગ 50 ટકા મરાઠી સમજાય છે અને કોઈ પણ રાજ્યમાં કામ કરવા માટે ત્યાંની ભાષા આવડવી જોઈએ. ઝારખંડના રહેવાસી અને છેલ્લા 27 વર્ષથી ભીંડી બજારમાં રહેતા બસંત યાદવે જણાવ્યું હતું કે તેમણે ધીમે-ધીમે મરાઠી શીખી અને હવે સરળતાથી બોલી શકે છે.
કેટલાક ડ્રાઈવરોના પ્રશ્નો
મુલુંડના ઓટો ડ્રાઈવર રૂપેશ ચૌધરીએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો તેમણે પૂછ્યું હતું કે ડ્રાઈવરો પહેલેથી જ હિન્દી, મરાઠી અથવા અન્ય ભાષામાં વાત કરે છે — તો મરાઠી ફરજિયાત બનાવવામાં આવે તો શું સરકાર તેમને શીખવા માટે મદદ કરશે? તેમણે દંડને બદલે તાલીમ અને સહાયની વ્યવસ્થા કરવાની માગ કરી
મુલુંડના જ બીજા ડ્રાઈવર સુભાષ પાળે જણાવ્યું હતું કે નિયમ સમજણમાં આવે છે, પરંતુ તરત જ લાયસન્સ રદ કરવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે ડ્રાઈવરોને શીખવા માટે સમય અને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી તેમની આજીવિકામાં અચાનક અસર ન પડે.


