બેંગલુરુ એરપોર્ટ પર જાહેરમાં નમાજ અદા કરવા મુદ્દે વિવાદ

બેંગલુરુઃ  બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક જૂથ દ્વારા જાહેરમાં નમાજ અદા કરવાની ઘટના બાદ વિવાદ સર્જાયો છે. હકીકતમાં એરપોર્ટના ટર્મિનલ-2માં કેટલાક લોકો દ્વારા સામૂહિક નમાજ અદા કરવામાં આવી હોવાનો વિડિયો સામે આવ્યો છે, જે પછી વિવિધ પ્રકારના સવાલો ઊભા થયા છે. આ વિડિયોમાં સુરક્ષા દળોના જવાન પણ જોવા મળે છે, પરંતુ તેઓ પણ ફક્ત શાંતિથી ઊભા હોવાનું જોવા મળે છે.

ભાજપનો વિરોધ

આ ઘટનાનો વિડિયો સામે આવ્યા બાદ ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટની અંદર મુસાફરો માટે પ્રાર્થના કક્ષ (પ્રેયર રૂમ) હતો, છતાં પણ પ્રાર્થના બહાર કરવામાં આવી. આ નમાજ મક્કા જવા માટે ગયેલા લોકોને ‘સી-ઓફ’ કરવા આવેલો જૂથ મુસ્લિમ સમુદાય તરફથી અદા કરવામાં આવી હતી.

ભાજપ પ્રવક્તાએ વ્યક્ત કર્યો વિરોધ

ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે X પર પોસ્ટ કરી વિરોધ વ્યક્ત કરતાં કહ્યું હતું કે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના T2 ટર્મિનલની અંદર આ રીતે પરવાનગી કેવી રીતે આપી શકાય?

મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયંક ખડગે, શું તમે આ સ્વીકારો છો?

શું આ લોકોએ ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં નમાજ અદા કરવા અગાઉ પરવાનગી લીધી હતી?

જ્યારે RSS સંબંધિત સત્તાધીશો પાસેથી યોગ્ય પરવાનગી મેળવી પથસંચલન કરે છે, ત્યારે સરકાર તેને લઇને વાંધો ઉઠાવે છે, પરંતુ આવા પ્રતિબંધિત જાહેર વિસ્તારોમાં થતી પ્રવૃત્તિઓ પર આંખ મીંચી લે છે?

શું આટલા સંવેદનશીલ વિસ્તારમાં આ ગંભીર સુરક્ષાનો પ્રશ્ન નથી?

જાહેર સ્થળોએ નમાજને લઇને શા માટે હોબાળો?

જાહેર સ્થળોએ નમાજ અદા કરવા અંગેનો વિવાદ મુખ્યત્વે ધાર્મિક સ્વતંત્રતા, જાહેર વ્યવસ્થા અને રાજકીય પક્ષપાત જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ઊભો થાય છે. આ મુદ્દો વારંવાર ચર્ચામાં આવે છે, ખાસ કરીને જ્યારે નમાજ રસ્તાઓ, બાગ-બગીચાઓ, એરપોર્ટો અથવા સરકારી ઇમારતો જેવી જગ્યાઓ પર કરવામાં આવે ત્યારે.