ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની બે મસ્જિદોને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જિલ્લા પ્રશાસને આ મસ્જિદોને ગેરકાયદે ગણાવીને દૂર કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ વકફ બોર્ડ એના વિરોધમાં હાઈકોર્ટ પહોંચી ગયું છે. મુસ્લિમ સંસ્થાઓનું કહેવું છે કે મસ્જિદો વકફની મિલકત છે અને આ આદેશ પ્રભાવશાળી લોકોના લાભ માટે આપવામાં આવ્યો છે. બીજી તરફ, હિન્દુ સંસ્થાઓ તરત જ મસ્જિદો તોડી પાડવાની માગ પર છે.
શું છે આખો મામલો?
ભોપાલમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, કારણ કે ભોપાલની લાઈફલાઇન ગણાતા મોટા તળાવના વિસ્તારમાં આવેલી દિલકશ મસ્જિદ અને ભદભદા મસ્જિદ. ચોથી જુલાઈએ જિલ્લા પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં આ બંને મસ્જિદોને કબજાની જમીન પર બાંધવામાં આવેલી ગણાવી હતી. નાયબ તહેસીલદારના આદેશમાં લખેલું છે કે બંને સ્થાયી મસ્જિદો કબજો કરીને ઊભી કરવામાં આવી છે. એને તત્કાળ દૂર કરવામાં આવે નહીં તો બળજબરીથી ખસેડવામાં આવશે.
મુસ્લિમ સંસ્થાઓએ શી ચેતવણી આપી?
મુસ્લિમ સંસ્થાઓએ ચેતવણી આપતાં કહ્યું હતું કે ભોપાલની જનતા સાંભળી લે, શહેરની મસ્જિદ પર જો પગ પણ મૂક્યો છે તો આરપારની લડાઈ થશે, લાશો પરથી પસાર થવું પડશે. બીજી તરફ હિન્દુ સંસ્થાઓએ પણ ચેતવણી આપી છે કે મસ્જિદ તૂટવી જ જોઈએ એટલે તૂટવી જ જોઈએ.
જિલ્લા પ્રશાસનના આદેશ પર MP વકફ બોર્ડે વાંધો દાખવ્યો અને જણાવ્યું કે મસ્જિદો તેમની કાયદેસર મિલકત છે, તેમની પાસે એના દસ્તાવેજો પણ છે. NGT એ આ મામલે વકફ બોર્ડને પક્ષકાર બનાવ્યો હતો, પરંતુ સ્થગન આદેશ આપવાનો ઇનકાર કર્યો. તેના વિરુદ્ધ બોર્ડે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. આ માહિતી વકફ બોર્ડે મસ્જિદની દીવાલ પર નોટિસ ચોંટાડી જાહેર કરી. મસ્જિદ તોડવાના આદેશની ખબર મળતાં જ મુસ્લિમ સંસ્થાઓ વિરોધમાં ઊતરી આવી છે.
