લખનૌઃ લખનૌના મલિહાબાદના કસમંડી વિસ્તારમાં આવેલા વિવાદિત કંસના કિલ્લાના સ્થળને લઈને તણાવ સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કસમંડીમાં બકરી ઇદની નમાજ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એ સાથે જ મંગળવારે પાસી સમાજને સુંદરકાંડના પાઠ કરવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. વિવાદ વધતાં પ્રશાસને આ નિર્ણય લીધો છે. સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આંદોલનની જાહેરાત કરનાર પાસી સમાજના નેતાઓને પણ પોલીસે નોટિસ પાઠવી છે. પાસી સમાજ પોતાના રાજાઓના ઇતિહાસના આધાર પર આ સ્થળ પર પોતાનો હક હોવાનો દાવો કરી રહ્યો છે.
મુસ્લિમ અને પાસી સમાજ વચ્ચે વિવાદ
મલિહાબાદના કસમંડી કલા વિસ્તારમાં આવેલા મકબરા અને મસ્જિદ પર પાસી સમાજે આજે સુંદરકાંડના પાઠ કરવાની જાહેરાત કરી હતી. પાસી સમાજનો દાવો છે કે આ સ્થળ મહારાજા રાજપાસી કંસનો પ્રાચીન કિલ્લો છે. મલિહાબાદ પોલીસે પાસી સમાજના 15 નેતાઓને નોટિસ પાઠવી છે. પોલીસે ચેતવણી આપી છે કે જો મહારાજા કંસના કિલ્લા આસપાસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાસી સમાજના અધ્યક્ષને નજરકેદ કરવામાં આવ્યા
સવારે જ ચર્ચા ચાલી રહી હતી કે પાસી સમાજ મોટા મંગળના અવસરે ત્યાં સુંદરકાંડનો પાઠ કરી શકે છે. જોકે પાસી સમાજના અધ્યક્ષને પોલીસે નજરકેદ કરી દીધા હતા. અન્ય સમર્થકોને પણ ત્યાં પહોંચવા દેવામાં આવ્યા નહોતા. પોલીસે વિસ્તારમાં આવનજાવન કરનાર લોકોની પૂછપરછ શરૂ કરી છે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને નજીક આવવા દેવામાં આવી રહી નથી. ઉન્નાવથી આવેલા બે લોકોને પણ પોલીસે રોકીને પરત મોકલી દીધા હતા.
Malihabad, Uttar Pradesh: In Kasmandi, a mosque–fort dispute has led to heavy deployment of police and Provincial Armed Constabulary (PAC). Several people have been placed under house arrest, while authorities have increased surveillance and denied permission for religious… pic.twitter.com/2K89UEI694
— IANS (@ians_india) May 26, 2026
અવધેશ પ્રસાદે અંતર રાખ્યું
પાસી સમાજની લાખન આર્મીએ મલિહાબાદના કસમંડી સ્થિત કંસ કિલ્લાને બચાવવા માટે આહ્વાન કર્યું હતું. લાખન આર્મીએ સમાજવાદી પાર્ટીના પાસી નેતાઓને પણ સહકાર આપવા અપીલ કરી હતી. જોકે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે પાસી કિલ્લો વિરુદ્ધ મસ્જિદ વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમણે આ વિવાદને ભાજપનો એજન્ડા ગણાવ્યો અને કહ્યું હતું કે પાસી સમાજ લોકોને જોડવાનું કામ કરે છે, કોઈ પણ મુદ્દે સામ્પ્રદાયિક સૌહાર્દ બગાડતો નથી.




