TMC સાંસદ યુસુફ પઠાણની જમીનને લઈને વિવાદ

વડોદરાઃ રાજ્યના વડોદરામાં આવેલી 978 ચોરસ મીટરની એક જમીન ફરી ચર્ચામાં છે. આ પ્લોટ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યુસુફ પઠાણ સાથે સંકળાયેલો છે અને લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે. હવે આ પ્લોટની જાહેર હરાજી થવાની છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ તેની જાહેર હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્લોટ શહેરના તાંદલજા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ-22 હેઠળ પ્લોટ નંબર 90 તરીકે ઓળખાય છે. તે સાત મ્યુનિસિપલ જમીનોમાંથી એક છે, જેની કિંમતને આ અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે અને જુલાઈમાં તેને VMCના જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. જમીનની કિંમત પ્રતિ ચોરસ મીટર 2.10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેને આધારે કુલ કિંમત અંદાજે 20.5 કરોડ રૂપિયા થાય છે. આ મૂલ્યાંકન તે દર કરતાં લગભગ ત્રણ ગણું વધુ છે, જેને આધારે 14 વર્ષ પહેલાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ હતો.

યુસુફ પઠાણે જમીન ફાળવવાની માગ કરી હતી

આ વિવાદની શરૂઆત 2012માં થઈ હતી, જ્યારે યુસુફ પઠાણે VMC પાસે 99 વર્ષની લીઝ પર જમીન ફાળવવાની વિનંતી કરી હતી. VMCની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને જાહેર હરાજી વિના 57,270 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે પ્લોટ ફાળવવા માટે સંમતિ દર્શાવી હતી.

પરંતુ જ્યારે આ પ્રસ્તાવ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ (Urban Development Department) પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો ત્યારે મુશ્કેલી ઊભી થઈ. જૂન, 2014માં વિભાગે આ ફાળવણીને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે જાહેર બોલી પ્રક્રિયા વિના જમીનનું હસ્તાંતરણ કરી શકાય નહીં. પરિણામે પ્રસ્તાવ અટકી ગયો, છતાં પ્લોટની આસપાસ વાડ બાંધી દેવામાં આવી અને જમીન યુસુફ પઠાણના કબજામાં જ રહી હતી.

2024માં ફરી વિવાદ સામે આવ્યો

જૂન, 2024માં યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળની બહરામપુર લોકસભા બેઠક પરથી TMCના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. ભાજપ નિયંત્રિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની સામે મ્યુનિસિપલ જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ મૂકતાં એન્ક્રોચમેન્ટ નોટિસ ફટકારી હતી.

યુસુફ પઠાણે VMCની કાર્યવાહી સામે હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં અને પ્લોટ પરના પોતાના દાવાને માન્યતા આપવાની માગ કરી. જોકે ઓગસ્ટ, 2025માં હાઈકોર્ટે મૂળ ફાળવણીના પ્રસ્તાવને નકારી કાઢવાના રાજ્ય સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો અને કહ્યું હતું કે શહેરી વિકાસ વિભાગે મંજૂરી ન આપીને પોતાની સત્તાની મર્યાદામાં રહીને કામ કર્યું હતું.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો જાહેર જમીન પર ગેરકાયદે કબજાને લઈને વળતર વસૂલવાનું બને તો તે વર્તમાન બજારભાવના આધારે ગણતરી કરી શકાય છે. આ પરિસ્થિતિમાં VMC દ્વારા કરવામાં આવેલું તાજું મૂલ્યાંકન માત્ર ભવિષ્યની હરાજી માટે જ નહીં, પરંતુ લાંબા સમયથી રહેલા કબજાને કારણે વસૂલાત નક્કી કરવા માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.