લખનૌમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશઃ સાત આરોપીઓ ઝડપાયા

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મોહનલાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંતરરાજ્યીય ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો છે. રાત્રિના અંધકારમાં બોલેરો ગાડીમાં ગામડાઓમાં પહોંચીને લોકોને નિશાન બનાવતી આ ટોળકીનું જાળું તામિલનાડુથી લઈને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ સુધી ફેલાયેલું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ મામલે ટોળકીના મુખ્ય સૂત્રધાર પાસ્ટર અને તેની પત્ની સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. તેમની પાસેથી ધાર્મિક સાહિત્ય, ધર્માંતરણ સંબંધિત પુસ્તિકાઓ, બેંક સ્ટેટમેન્ટ, બોલેરો વાહન અને એક રહસ્યમય ડાયરી પણ જપ્ત કરવામાં આવી છે, જેને આધારે તપાસને નવી દિશા મળી છે.

આ રીતે કરાવતા હતા ધર્માંતરણ

દક્ષિણ ઝોનના એડિશનલ ડીસીપી રલ્લાપલ્લી વસંતકુમારે જણાવ્યું કે સમગ્ર મામલાની શરૂઆત એક પ્રેમકથાથી થઈ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી ડેનિયલે ખુલાસો કર્યો કે તેનું મૂળ નામ બાલા સુબ્રમણ્યમ છે અને તે મૂળ તામિલનાડુનો રહેવાસી છે. 16 વર્ષની ઉંમરે તેને સુબલા નામની એક ખ્રિસ્તી યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવતીના કહેવા પર તેણે પોતાનો ધર્મ બદલી લીધો અને લગ્ન બાદ તેનું નામ ડેનિયલ રાખવામાં આવ્યું. ત્યાર બાદ તે તામિલનાડુના એફજીપીસી ચર્ચ સાથે જોડાયો અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ શરૂ કરી.

વર્ષ 1998માં આ દંપતીને લખનૌ મોકલવામાં આવ્યાં હતાં અને ડેનિયલને વારાણસી સર્કલનો પાસ્ટર બનાવી ધર્મપ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી. એડિશનલ ડીસીપીના જણાવ્યાનુસાર ચર્ચ તરફથી દર વર્ષે વધુમાં વધુ લોકોને ધર્માંતરણ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવતો હતો. તેના બદલામાં ચર્ચ દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય સહાય મોકલવામાં આવતી હતી. આ ટોળકી ગરીબ અને લાચાર ગ્રામજનોને નિશાન બનાવતી હતી. ઘૂંટણના દુખાવાનો ઈલાજ, અસાધ્ય બીમારીઓમાંથી મુક્તિ, આર્થિક મુશ્કેલીઓ દૂર કરાવવાની ખાતરી, લગ્ન કરાવવાની મદદ અને સંતાન પ્રાપ્તિ જેવાં લોભામણા વચનો આપી ‘પ્રાર્થના સભા’ને નામે લોકોનું બ્રેનવોશ કરવામાં આવતું હતું.

આ રીતે આરોપીઓ ઝડપાયા

મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે મોહનલાલગંજના ભરસવા ગામના રહેવાસી અમિત કુમારે આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો. આરોપીઓએ તેમના પર ધર્મ બદલવાનું દબાણ કર્યું અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપતા ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો. બુધવારે રાત્રે બોલેરોમાં આવેલા આરોપીઓને ગ્રામજનોએ ઝડપી પાડ્યા અને પોલીસને સોંપી દીધા હતા.