નવી દિલ્હીઃ સરકારી અધિકારીઓ સામેની શિસ્તભંગની કાર્યવાહી અને ભ્રષ્ટાચાર સંબંધિત તપાસોમાં થઈ રહેલા લાંબા વિલંબ અંગે મદ્રાસ હાઈકોર્ટે કડક નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા અધિકારીઓ સામે સમયસર કાર્યવાહી ન થવાથી રાજ્યની ભ્રષ્ટાચારવિરોધી લડત નબળી પડી રહી છે. હાઈકોર્ટે તામિલનાડુ સરકારને માળખાગત સુધારાઓ પર ભાર મૂકતાં સ્વતંત્ર અને પૂર્ણકાલીન વિજિલન્સ કમિશનરની નિમણૂક કરવાની ભલામણ કરી છે. એ સાથે જ શિસ્તભંગ સંબંધિત ટ્રિબ્યુનલોને વર્ષોથી લંબિત તપાસો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ બી. પુગલેન્ધી અનેક રિટ અરજીઓની સંયુક્ત સુનાવણી કરી રહ્યા હતા. આ અરજીઓમાં વિવિધ ટ્રિબ્યુનલોમાં વર્ષોથી લંબિત વિભાગીય કાર્યવાહી તેમજ તપાસ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વધારાનો સમય માગવામાં આવેલી અરજીઓનો સમાવેશ થતો હતો.
29 જૂને આદેશમાં કોર્ટે જણાવ્યું હતું કે દરેક સરકાર ભ્રષ્ટાચાર સામે આકીર હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી વિરુદ્ધ છે. ભ્રષ્ટાચાર વ્યવસ્થાના દરેક સ્તરે ઊંડે સુધી ફેલાયેલો છે. તેને માત્ર સતત અને સમર્પિત કાર્યવાહી દ્વારા જ નાબૂદ કરી શકાય છે. તેના માટે વિજિલન્સ કમિશન અને વિજિલન્સ તથા ભ્રષ્ટાચાર નિવારણ વિભાગને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
તપાસ સમયમર્યાદામાં પૂર્ણ થવી જોઈએ : હાઈકોર્ટ
ન્યાયમૂર્તિ પુગલેન્ધીએ નોંધ્યું હતું કે સરકાર દ્વારા વારંવાર કડક સમયમર્યાદા નક્કી કરવા છતાં વિભાગીય તપાસો ઘણી વાર વર્ષો સુધી લંબાતી રહે છે.
રાજ્યમાં 170 કેસ હજુ પણ લંબિત
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી કે સમગ્ર તામિલનાડુમાં વિવિધ ટ્રિબ્યુનલોમાં કુલ 170 શિસ્તભંગના કેસો હજુ પણ લંબિત છે. જેમાં:
- 52 કેસ એક વર્ષથી વધુ સમયથી લંબિત છે.
- 49 કેસ બે વર્ષથી વધુ સમયથી લંબિત છે.
- 34 કેસ ત્રણ વર્ષથી વધુ સમયથી લંબિત છે.
- 8 કેસ ચાર વર્ષથી વધુ સમયથી લંબિત છે.
- 27 કેસ પાંચ વર્ષથી વધુ સમયથી લંબિત છે.




