દેશનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ ઐતિહાસિક ઉડાન માટે તૈયાર

શ્રીહરિકોટાઃ દેશના અવકાશ ઇતિહાસમાં આજે 18 જુલાઈનો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાશે. દેશની ખાનગી સ્પેસ એજન્સી સ્કાયરૂટ એરોસ્પેસ પોતાનું પ્રથમ સંપૂર્ણ વિકસિત અને સ્વદેશી ઓર્બિટલ-ક્લાસ (કક્ષીય શ્રેણી) રોકેટ વિક્રમ-1ને લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ઐતિહાસિક મિશનને મિશન આગમન” નામ આપવામાં આવ્યું છે. આ લોન્ચિંગ વૈશ્વિક લોન્ચિંગ ઉદ્યોગમાં ભારતના ખાનગી ક્ષેત્રની જોરદાર એન્ટ્રીનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત કોઈ ખાનગી કંપની દ્વારા સંપૂર્ણપણે ડિઝાઇન અને વિકસાવવામાં આવેલા ઓર્બિટલ-શ્રેણીનું રોકેટ ભારતીય ધરતી પરથી અવકાશ તરફ ઉડાન ભરશે.

ક્યારે અને ક્યાંથી થશે લોન્ચિંગ?

વિક્રમ-1 રોકેટની આ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આજે એટલે કે શનિવારે સવારે 11:30 વાગ્યે ઉડાન ભરશે. સાત માળ જેટલી ઊંચાઈ ધરાવતું આ રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના સતીશ ધવન અવકાશ કેન્દ્ર (SDSC-SHAR)ના ઐતિહાસિક “પ્રથમ લોન્ચ પેડ” પરથી અવકાશ તરફ રવાના થશે.

અવકાશમાં જશે વડા પ્રધાન મોદીનો હસ્તલિખિત સંદેશ

આ મિશનની સૌથી વિશેષ અને અનોખી બાબત એ છે કે વિક્રમ-1 પોતાની સાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક ખાસ સંદેશ અવકાશમાં લઈ જશે. સ્કાયરૂટ એરોસ્પેસના જણાવ્યાનુસાર ટેસ્ટ ફ્લાઇટના વિશેષ પેલોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના હાથે લખાયેલું એક પોસ્ટકાર્ડ સામેલ છે.

આ પોસ્ટકાર્ડ પર વંદે માતરમ” લખાયેલું છે અને તેના પર વડા પ્રધાન મોદીના હસ્તાક્ષર પણ છે. આ હસ્તલિખિત પોસ્ટકાર્ડ પર 26 જૂન, 2026ની તારીખ નોંધાયેલી છે.

કેટલું શક્તિશાળી છે ‘વિક્રમ-1’ અને શું છે તેની ખાસિયત?

આ રોકેટનું નામ ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ગણાતા મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સ્કાયરૂટ દ્વારા લોન્ચ કરાયેલું વિક્રમ-એસ સબઓર્બિટલ રૉકેટની સફળતા પછી આ કંપની માટેનું સૌથી મોટું માઈલસ્ટોન છે.

વિક્રમ-એસ માત્ર સબઓર્બિટલ ફ્લાઇટ સુધી મર્યાદિત હતો, જ્યારે વિક્રમ-1 એક સંપૂર્ણ ઓર્બિટલ લોન્ચ વેહિકલ છે. એટલે કે તે ઉપગ્રહોને અવકાશની નિશ્ચિત અને સ્થિર કક્ષામાં સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે.

આ ટેસ્ટ ફ્લાઇટનો મુખ્ય હેતુ શું છે?

આ મિશન દરમિયાન પ્રાપ્ત થનારા ડેટાનો ઉપયોગ કંપની પોતાની ટેક્નોલોજીને વધુ સુધારવા, ભવિષ્યના વર્ઝન્સને વધુ કાર્યક્ષમ બનાવવા અને નિયમિત લોન્ચ ઓપરેશન્સ સ્થાપિત કરવાની યોજનાઓને મજબૂત બનાવવા માટે કરશે.