શું અસીમ મુનીર કરશે શહબાઝ શરીફનો તખ્તાપલટ?

પાકિસ્તાનની રાજકીય સ્થિતિમાં મોટો ગરમાવો આવ્યો છે. વડાપ્રધાન શહબાઝ શરીફની સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે અને રાજધાની ઇસ્લામાબાદને કન્ટેનરો મૂકીને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરના ઈશારે દેશમાં લશ્કરી તખ્તાપલટની તૈયારીઓ થઈ રહી છે.

ગૃહમંત્રી નકવીનો ‘સ્કેમ બોમ્બ’ અને સિસ્ટમ પર સીધો હુમલો

સેના પ્રમુખ અસીમ મુનીરના અત્યંત નજીકના ગણાતા ગૃહમંત્રી મોહસિન નકવીએ ખુલ્લેઆમ કહ્યું છે કે પાકિસ્તાનની ગવર્નન્સ સિસ્ટમ સંપૂર્ણપણે ‘કોલેપ્સ’ (ધ્વસ્ત) થઈ ગઈ છે. નકવીએ દાવો કર્યો છે કે છેલ્લા 21 વર્ષથી દેશના જજ, અમલદારો, રાજકારણીઓ અને બેંકરો લાંચરૂશ્વતના રમેશમાં સામેલ હતા અને આ પાકિસ્તાનના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં સામેલ દરેક વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે તેમણે કોઈ ચોક્કસ વ્યક્તિઓનું નામ લીધું નથી.

રાવલપિંડીનો મોહરો અને નવાઝ શરીફની ચિંતા

રાજકીય વિશ્લેષકોના મતે મોહસિન નકવી માત્ર એક મંત્રી નથી પરંતુ અસીમ મુનીરનો એક મહત્વનો મોહરો છે.  એવી અટકળો છે કે નકવીનો ઉપયોગ અસીમ મુનીર માટે પરવેઝ મુશર્રફના યુગ જેવી સ્થિતિ બનાવવા માટે થઈ રહ્યો છે, જેથી અસીમ મુનીર રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ બંને પદ સંભાળીને સર્વશક્તિમાન બની શકે. પાકિસ્તાન શાસનના ટોચના સ્તરે પડેલી આ તિરાડ અને હલચલથી લંડનથી લઈને લાહોર સુધી નવાઝ શરીફની ઊંઘ ઊડી ગઈ છે.

શહબાઝ ખેમામાં હાહાકાર અને સંરક્ષણ મંત્રીનો પલટવાર

ગૃહમંત્રીના આ વલણથી શહબાઝ શરીફની કેબિનેટમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. શહબાઝ શરીફના વફાદાર અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તીખો પલટવાર કરતા નકવીને ‘પાવરહાઉસ’ કહ્યા હતા. તેમણે કટાક્ષ કર્યો કે નકવી પોતાને વડાપ્રધાન પ્રત્યે પણ જવાબદાર ગણતા નથી અને કેબિનેટ બેઠકોમાં ગેરહાજર રહે છે. આસિફે કહ્યું કે, જો આટલી મોટી સત્તા ધરાવતી વ્યક્તિ પણ ફરિયાદ કરી રહી હોય, તો બાકીના કેબિનેટ સભ્યોએ ઘરે જતું રહેવું જોઈએ.

શું પાકિસ્તાનમાં ફરી ડિક્ટેટર રાજ શરૂ થશે?

હાલમાં અસીમ મુનીર પાકિસ્તાનની વિદેશ નીતિથી લઈને અર્થતંત્ર સુધી અનિયંત્રિત સત્તા ભોગવી રહ્યા છે. અહેવાલ મુજબ સંરક્ષણ વિશ્લેષક સંદીપ ઉન્નીથને જણાવ્યું છે કે મીડિયા માલિકમાંથી શક્તિશાળી રાજકારણી બનેલા નકવી લાંબા સમયથી વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. નકવી સેના પ્રમુખ અસીમ મુનીરના નજીકના સગા માનવામાં આવે છે. આ જ નિકટતાના કારણે મુનીરે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા માટે નકવીને પોતાના ખાસ પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હતા. નકવી દ્વારા મુનીરે શહબાઝ શરીફને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે પાકિસ્તાનમાં અસલી બોસ કોણ છે.