ડેટા પ્રોટેક્શન કાયદાને મુદ્દે કોર્ટની કેન્દ્ર સરકારને ‘સુપ્રીમ’ નોટિસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે ડિજિટલ ડેટા પ્રોટેક્શન કાયદાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી. આ અરજી ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન (DNPA) દ્વારા દાખલ કરવામાં આવી છે.

CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્ય બાગચી તથા ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચે કેન્દ્ર સરકારને આ નોટિસ જારી કરી હતી. DNPA તરફથી હાજર રહેલાં વરિષ્ઠ વકીલ માધવી દીવાને દલીલો રજૂ કરી હતી. તેમણે બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે આ જોગવાઈઓથી ન્યૂઝ રૂમનું કામકાજ ઠપ થઈ જશે. DNPAએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે આ કાયદો બંધારણ હેઠળ મળેલી માહિતીના અધિકાર અને વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારોને મર્યાદિત કરે છે. એસોસિયેશનનું કહેવું છે કે આ કાયદાને કારણે પત્રકારો માટે ગેરરીતિઓ અને ખોટાં કામોની તપાસ કરવી મુશ્કેલ બની શકે છે.

DNPA શું છે?

DNPA એક એવું સંગઠન છે, જેમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ, ઇન્ડિયા ટુડે, ટાઇમ્સ ગ્રુપ, ઝી, એનડીટીવી અને નેટવર્ક 18 સહિત 21 મોટાં મિડિયા સંસ્થાનોની ડિજિટલ શાખાઓ સામેલ છે. સંગઠનનું કહેવું છે કે ડિજિટલ ડેટા પ્રોટેક્શન કાયદાની જોગવાઈઓ પ્રેસની સ્વતંત્રતાને નુકસાન પહોંચાડે છે. બંધારણના અનુચ્છેદ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં DNPAએ DPDP કાયદાની કલમ 7, 17(2), 18, 19, 27, 29, 36, 37 અને 44(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરી છે. અરજીમાં DPDP નિયમો, 2025ના નિયમ 16, 17 અને 23ને પણ પડકારવામાં આવ્યા છે.

આ કેસની આગામી સુનાવણી હવે 17 નવેમ્બરે થશે.