CP રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ સી.પી. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપ રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. રાધાકૃષ્ણને વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને હરાવીને આ પદ પ્રાપ્ત કર્યું છે. મંગળવારે તેઓ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમને 452 મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા.

આ શપથવિધિ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા.

રાજ્યોના CM પણ હાજર

ઉપ રાષ્ટ્રપતિના શપથવિધિના સમારંભ પહેલાં ઘણા રાજકીય નેતાઓ કાર્યક્રમમાં હાજર થવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા હતા. રાજધાનીમાં હાજર રહેલા લોકોમાં ઓડિશાના CM મોહન ચરણ માઝી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, આંધ્ર પ્રદેશના CM એન. ચંદ્રબાબુ નાયડુ, પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારિયા, ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવ સામેલ હતા.

જગદીપ ધનખડ પણ હાજર

ઉપરાષ્ટ્રપતિપદ માટે સીપી રાધાકૃષ્ણનના શપથવિધિમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા. આ સિવાય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. જોકે વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવા ઉપરાષ્ટ્રપતિના શપથવિધિમાં હાજર નહોતા રહ્યા, કારણ કે તેઓ ગુજરાત પ્રવાસે છે.

રાધાકૃષ્ણને છોડ્યું રાજ્યપાલનું પદનવ સપ્ટેમ્બરે થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવીને સીપી રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડ્યું છે. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર સોંપ્યો છે.