CPIની અમરજિત કૌરે PM મોદી પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી: બેફામ નિવેદન અને તેના પર થતો વિવાદ—અતિશયોક્તિ ન થાય તો કદાચ આ ભારતીય રાજકારણની નવી પરંપરા બની ગઈ છે. હવે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના રાષ્ટ્રીય મહાસચિવ અમરજિત કૌરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ત્યાર બાદ ભાજપે પણ તેમના નિવેદન પર પલટવાર શરૂ કરી દીધો છે.

PM મોદી પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન

હકીકતમાં CPIના રાષ્ટ્રીય મહાસચિવ અમરજિત કૌરે દિલ્હીમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ધમકી આપતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે PM મોદીની કોમ્યુનિસ્ટો અંગેની અગાઉની કથિત ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાએ કોમ્યુનિસ્ટો અને તેમના લાલ ઝંડાને ખતરનાક ગણાવ્યા હતા.

ભાજપે કર્યો પલટવાર

ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ અમરજિત કૌરના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે અમરજિત કૌર પર નક્સલવાદી વિચારસરણી ધરાવવાનો આરોપ લગાવ્યો છે. ભંડારીએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ અમરજિત કૌરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે જે નિવેદન આપ્યું છે, તે તેમની ‘દિમાગી નક્સલી’ વિચારસરણી દર્શાવે છે. ભાજપે આ નિવેદન બદલ અમરજિત કૌર પાસે માફી માગવાની પણ માગ કરી છે.

માફી માગવાનો કર્યો ઇનકાર

બીજી તરફ, અમરજિત કૌરે પોતાના નિવેદન બદલ માફી માગવાનો ઇનકાર કર્યો છે. હવે બંને પક્ષના નેતાઓ એકબીજા પર રાજકીય પ્રહારો કરી રહ્યા છે.

કોણ છે અમરજિત કૌર?

ઉલ્લેખનીય છે કે 74 વર્ષીય અમરજિત કૌરે MSc અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ વિદ્યાર્થી જીવનથી જ CPI સાથે જોડાયેલા છે. વર્ષ 1979થી સાત વર્ષ સુધી તેઓ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISF)નાં બીજાં મહિલા મહાસચિવ રહ્યાં હતાં.

વર્ષ 1999થી 2002 સુધી તેઓ નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમનનાં મહાસચિવ રહ્યાં હતાં. વર્ષ 1994થી 2018 સુધી તેઓ AITUCના રાષ્ટ્રીય સચિવ રહ્યા હતા. વર્ષ 1972માં ભાવવધારાના વિરોધમાં CPIના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ તેમને 10 દિવસ માટે જેલમાં પણ જવું પડ્યું હતું.