નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપમાં હાલ બધું સમુંસૂતરું નથી નથી ચાલી રહ્યું. ટાટા ટ્રસ્ટ્સની અંદરના એક જૂથે જ્યારે વિજય સિંહની ટાટા સન્સના બોર્ડમાં પુનઃનિયુક્તિ (reappointment) સામે મત આપ્યો, ત્યારે વિજય સિંહે જણાવ્યું હતું કે કોઈ મુદ્દે મતદાન કરાવવું ટ્રસ્ટ માટે “અભૂતપૂર્વ” ઘટના છે. આ પગલું સ્વર્ગસ્થ રતન ટાટાની વિચારસરણીની વિરુદ્ધ છે, જેમાં તેઓ હંમેશાં નિર્ણય “સહમતી અને એકતા”થી લેવાની વાત કરતા હતા.
હાલમાં થયેલા આ મતદાને 180 અબજ ડોલર મૂલ્યના ટાટા ગ્રુપની અંદર ચાલી રહેલા સત્તાસંઘર્ષને બહાર લાવ્યો છે. એમ. પાલણજી જૂથના ડિરેક્ટર મેહલી મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ ટાટા ટ્રસ્ટ્સના ચાર ટ્રસ્ટીઓના એક જૂથે ટાટા સન્સના બોર્ડમાં વિજય સિંહની પુનઃનિયુક્તિનો વિરોધ કર્યો હતો.વિજય સિંહ વિરુદ્ધનો મત ભારતના સૌથી પ્રતિષ્ઠિત કોર્પોરેટ ઘરાનાની અંદર વિભાજનનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ટાટા ટ્રસ્ટ્સ પાસે એકત્રિત રીતે ટાટા સન્સમાં 66 ટકા હિસ્સેદારી છે.
સિંહના જણાવ્યા અનુસાર તેઓ તે બેઠકમાં હાજર નહોતા, જેમાં મતદાન થયું હતું. તેમણે કહ્યું હતું કે હું ત્યાં હાજર નહોતો, તેથી કોઈના પક્ષમાં કે વિરોધમાં મત આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જેમ હવે બધાને ખબર છે, ચાર ટ્રસ્ટીઓએ ટાટા સન્સના બોર્ડમાં મારું સ્થાન ચાલુ રાખવા વિરુદ્ધ મત આપ્યો હતો, પણ તેના કારણો સ્પષ્ટ નહોતાં.
વિજય સિંહ 1970 બેચના IAS અધિકારી અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ રહ્યા છે. તેઓ રતન ટાટાના આમંત્રણ પર 2018માં ટાટા ટ્રસ્ટ્સ સાથે જોડાયા હતા. તાજેતર સુધી તેઓ ટાટા સન્સના બોર્ડમાં કાર્યરત હતા. જોકે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર હજુ પણ તેમનું નામ ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યું છે, એવી માહિતી છે કે મેહલી મિસ્ત્રીના નેતૃત્વવાળા જૂથે તેમની પુનઃનિયુક્તિ અટકાવ્યા પછી તેમણે રાજીનામું આપી દીધું છે.


