બેંગલુરુ ડે-કેરમાં બાળકો સાથે ક્રૂરતા: બે કેરટેકરની ધરપકડ

બેંગલુરુઃ પોલીસે શુક્રવારે બ્રુકફિલ્ડ સ્થિત કેપજેમિની કેમ્પસના એક ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે કથિત મારપીટ અને દુર્વ્યવહારના કેસમાં બે મહિલાની ધરપકડ કરી છે. માસૂમ બાળકો સાથે થયેલા કથિત અત્યાચારને મામલે પાંચ કેરટેકરોમાંથી બે હવે પોલીસની ધરપકડમાં છે. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા કેરટેકરની ઓળખ વિજયલક્ષ્મી તરીકે થઈ છે. તપાસ દરમિયાન વાયરલ થયેલા વિડિયોમાં બાળકો સાથે કથિત મારપીટ કરતી દેખાતી મહિલાની ઓળખ વિજયલક્ષ્મી તરીકે થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે મંજુલા, વિજયલક્ષ્મી, ભવાની, સિંધુ અને બિંદુ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમ જ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે કેસમાં અન્ય ત્રણ આરોપીઓને નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ તેઓ હજુ સુધી તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા નથી.

મારપીટ અને ડરાવી-ધમકાવવાના ગંભીર આરોપ

આ મામલો 29 જૂને એચએએલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જિલ્લા બાળ સંરક્ષણ એકમના કાનૂની અને પ્રોબેશન અધિકારી તિલકેશ કુમારે ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડિયોમાં ડે-કેર સેન્ટરમાં નાનાં બાળકો સાથે કથિત દુર્વ્યવહાર થતો હોવાનું સામે આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવી હતી. FIR અનુસાર આરોપી કેરટેકરોએ બાળકો સાથે મારપીટ કરી હતી અને તેમને ડરાવવા માટે અમાનવીય રીતો અપનાવી હતી. આરોપ છે કે રડતાં બાળકોને ડરાવવા માટે તેમને વોશિંગ મશીનની અંદર બંધ કરી દેવામાં આવતાં, પાણીથી ભરેલી સાંકડી પાઈપોમાં જબરદસ્તી ધકેલી દેવામાં આવતાં, બાથરૂમમાં બંધ રાખવામાં આવતા તેમ જ તેમની સાથે શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી.

કંપનીએ ડે-કેર સેન્ટર અસ્થાયી રીતે બંધ કર્યું

આ ડે-કેર સેન્ટર કેપજેમિનીના બ્રુકફિલ્ડ કેમ્પસમાં કાર્યરત કર્મચારીઓનાં બાળકો માટે ચલાવવામાં આવતું હતું. આરોપો સામે આવ્યા બાદ કંપનીએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડે-કેર સેન્ટરને અસ્થાયી રીતે બંધ કરી દીધું છે અને જણાવ્યું છે કે તે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે.