વાઇબ્રન્ટ ગુજરાત 2027: દિલ્હીમાં જામ્યો રોકાણકારોનો મેળાવડો

નવી દિલ્હી: આગામી જાન્યુઆરી માસમાં ‘વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર’ની વિશેષ થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 યોજાવાની છે. જેના સંદર્ભે ભારત મંડપમ્ ખાતે કર્ટેન રેઝર ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ અર્થે સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સત્રમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત વિઝનથી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના માધ્યમથી રાજ્યમાં આવેલા ઔદ્યોગિક અને આર્થિક પરિવર્તનની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી. તેમણે આ સમિટને વૈશ્વિક સ્તરે જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાનનું ઉત્કૃષ્ટ મંચ ગણાવ્યું હતું.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “આજનો આ અવસર માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીના કુશળ નેતૃત્વમાં ગુજરાતની છેલ્લા ૨૫ વર્ષની અવિરત વિકાસયાત્રાની સફળતાનો ઉત્સવ અને નવા ગુજરાતની બુલંદ આકાંક્ષાઓનો ઉદ્ઘોષ છે.”