CWG 2026: ઋષિકાંત સિંહે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ

ઋષિકાંત સિંહ ભલે ગોલ્ડ મેડલ મેળવવાથી થોડાક માટે ચૂકી ગયા હોય, પરંતુ કુલ 264 kg નો ભાર ઉઠાવીને અને નવો ગેમ્સ રેકોર્ડ પોતાના નામે કરીને તેમણે ભારતીય વેઇટલિફ્ટિંગના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવી દીધું છે. ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે, 26 July રવિવારના રોજ ભારતને એક મોટી સફળતા મળી હતી. મણિપુરના વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચનામબમે પુરુષોની 60 kg ભારવર્ગની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો છે.

121 Kg ઉઠાવીને રચ્યો નવો ઇતિહાસ

ઋષિકાંતે કુલ 264 kg વજન ઉઠાવીને ભારતને પોડિયમ પર સ્થાન અપાવ્યું હતું. આ શાનદાર પ્રદર્શન સાથે જ તેમણે સ્નેચ રાઉન્ડમાં 121 kg નો ભાર ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ કાયમ કર્યો હતો.

સ્પર્ધાની શરૂઆતથી જ મણિપુરના આ લિફ્ટરે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો:

પ્રથમ પ્રયાસ: સ્નેચ વર્ગમાં તેમણે 116 kg વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું.

બીજો પ્રયાસ: બીજા પ્રયાસમાં તેમણે 119 kg નો ભાર ઉઠાવ્યો.

ત્રીજો પ્રયાસ: પોતાના ત્રીજા પ્રયાસમાં 121 kg નો ભાર ઉઠાવતા જ તેમણે અગાઉના 120 kg ના રેકોર્ડને તોડીને નવો CWG સ્નેચ રેકોર્ડ બનાવ્યો.

જોકે, પાછળથી મલેશિયાના બિન કાસદાન મોહમ્મદ અનિકે પણ પોતાના ત્રીજા પ્રયાસમાં 121 kg વજન ઉઠાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

ત્યારબાદ કલીન એન્ડ જર્ક રાઉન્ડમાં ઋષિકાંતને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ માત્ર એક જ પ્રયાસમાં 143 kg વજન ઉઠાવી શક્યા હતા. આમ છતાં, સ્નેચ રાઉન્ડના રેકોર્ડ અને કુલ 264 kg વજનના આધારે તેમણે ભારત માટે સિલ્વર મેડલ પાકો કરી લીધો હતો.

ભારતીય સેનામાંથી મેળવી છે તાલીમ

મણિપુરના ઇમ્ફાલ વેસ્ટના વતની એવા ઋષિકાંત સિંહ આજે ભારતીય વેઇટલિફ્ટિંગના સૌથી વિશ્વાસુ ખેલાડીઓમાં ગણાય છે. તેમણે પોતાની તાલીમ ભારતીય સેના (Indian Army) ના ઉત્કૃષ્ટ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેળવી છે, જેણે તેમની પ્રતિભાને વધુ નિખારવાનું કામ કર્યું છે.

વર્ષ 2025 માં જીત્યો હતો ગોલ્ડ મેડલ

વર્ષ 2025 માં અમદાવાદ ખાતે આયોજિત કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ તેમના કરિયરની સૌથી યાદગાર ક્ષણ સાબિત થઈ હતી. આ સ્પર્ધામાં તેમણે માત્ર ગોલ્ડ મેડલ જ નહોતો જીત્યો, પરંતુ નવો નેશનલ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ શાનદાર પ્રદર્શનના જોરે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સ માટે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. અમદાવાદની એ જ ચેમ્પિયનશિપમાં ઋષિકાંતે પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર (271 kg) હાસલ કર્યો હતો.