ભુવનેશ્વર (ઓડિશા), ૨૦ નવેમ્બર ૨૦૨૬: બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ‘અકવન’ (Cyclone Akvan)ની લેન્ડફોલ (જમીન પર ટકરાવાની) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે આ સિસ્ટમ નબળી પડીને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો પર ‘ડીપ ડિપ્રેશન’ (Deep Depression)માં ફેરવાઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શુક્રવારે આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. રાહતના સમાચાર એ છે કે ઓડિશાના મુખ્ય સચિવ અનુ ગર્ગે જણાવ્યું છે કે રાજ્યમાં વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટનાના સમાચાર નથી અને રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહી છે.
The cyclonic storm “Akvan” Moved nearly north-northeastwards with a speed of 24 kmph during past 06 hrs and weakened into Deep-depression at 1130 hrs IST of 20 Nov over south coastal Odisha. The Deep depression likely to move North-norteastward and gradually weaken into Depression in next 6 hour and Well-marked Low-Pressure area in subsequent 6 hours.
— India Meteorological Department (@Indiametdept) November 20, 2026
ભારતીય હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન ‘અકવન’ છેલ્લા છ કલાક દરમિયાન ૨૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધ્યું હતું અને ૨૦ નવેમ્બરના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે દક્ષિણ દરિયાકાંઠાના ઓડિશા પર નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આ ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધતા આગામી ૬ કલાકમાં વધુ નબળું પડીને ‘ડિપ્રેશન’ (Depression)માં અને ત્યારબાદના ૬ કલાકમાં ‘વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા’ (હળવા દબાણના ક્ષેત્ર)માં ફેરવાઈ જશે.
બપોરે ૨ વાગ્યા સુધીની પરિસ્થિતિનો ચિતાર આપતા મુખ્ય સચિવ અનુ ગર્ગે જણાવ્યું હતું કે, વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોઈ જાનહાનિ થઈ નથી અને વાવાઝોડાને કારણે ખેતીના પાકને થયેલા નુકસાનનો સર્વે અને ગણતરી હવે પછી કરવામાં આવશે.
બીજી તરફ, તીર્થનગરી પુરીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) દિવ્યા જ્યોતિ પરિદાએ જિલ્લા પર વાવાઝોડાની અસર અને વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર તરફથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ સાવચેતીના પ્રતિબંધો અમલમાં રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, દરિયો હજુ પણ અત્યંત તોફાની છે અને હવામાન વિભાગે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ તથા મુલાકાતીઓને સતર્ક રહેવા અને સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.






